ભવિષ્યનું વિચારી મજબુત લાઇન નાખવાની માંગ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના જોષીપરામાં ટોરેન્ટ ગેસ કંપનીની પાઇપ લાઇન ઉંદરોએ કોતરી ખાધી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ પાઇપ લાઇનમાં લોખંડની કેસીંગ વાપરવા માંગ કરાઇ છે.
આ અંગે વોર્ડ નંબર 6ના કોંગ્રેસી કોર્પોરેટર લલીતભાઇ પણસારાએ જણાવ્યું છે કે, જૂનાગઢમાં હાલ ટોરેન્ટ ગેસ કંપની દ્વારા ગેસની પાઇપ લાઇન નાંખવાનું કામ શરૂ કરાયું છે. હાલ શહેરના જોષીપરા અને ઝાંઝરડા રોડ વિસ્તારમાં કામ ચાલી રહ્યું છે. દરમિયાન જોષીપરા ખાતે ચાલતા કામોમાં પોસ્ટલ સોસાયટી ગંધારી વાડી, ખલીલપુર રોડ પૂજા ડિલક્સ અને સુભાષનગર ટોરેન્ટ ગેસ કંપનીની એમડીપી પાઇપ લાઇનને ઉંદરે કોતરી ખાઘી છે. ત્યારે આ રીતે ગેસની પાઇપ ઉંદરો કોતરી ખાશે તો ભવિષ્યમાં ગેસ લીકેજ, આગ કે બ્લાસ્ટની દુર્ઘટના પણ બની શકે છે. પરિણામે લોકોની સલામતી પણ જોખમાઇ શકે છેે. આ ઉપરાંત રોડ બન્યા બાદ આવું થશે તો અનેક જગ્યાએ રોડ પણ તોડવા પડશે. ત્યારે ગેસ કંપની જ્યાં ઉંદરોનો ત્રાસ વધુ હોય તેવા વિસ્તારોમાં પીવીસીને બદલે લોખંડનું કેસીંગ વાપરે તેવી
માંગ છે.
જૂનાગઢનાં જોષીપરામાં ગેસની લાઇન ઉંદરો કાપી ગયાં !
