બ્રેક વગરની માતેલા સાંઢની જેમ ફરે છે આ ટીપરવાનો: અકસ્માત થાય તો જવાબદાર કોણ?
કચરાનો ટાર્ગેટ પૂરો કરવા ઉકરડામાંથી પણ કચરો ભરે છે ટીપરવાન ચાલકો: ભંગાર ભેગો કરી પૈસા કમાવવામાં રસ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સીટીને સ્વચ્છ બનાવવા માટે મનપાએ ટીપરવાન દ્વારા ઘરે-ઘરે કચરો એકઠો કરવાનું બીડું ઝડપ્યું હતું ત્યારે આ ટીપરવાનની ઘણી ફરિયાદો પણ શહેરીજનોમાં ઉઠવા પામી છે. વર્ષો જૂની ખખડધજ ટીપરવાનના કોઈ ઠેકાણાં નથી.
એક ટીપરવાન બીજી બંધ ટીપરવાનને ખેંચીને લઈ જાય છે. સુકો અને ભીનો કચરો તો ઠીક પણ ટીપરવાન ચાલકોને જાણે ભંગાર ભેગો કરીને એમાંથી પણ પૈસા કમાવામાં રસ છે તેવું સ્પષ્ટપણે દેખાતું હોય છે. સાવ ખાડે પડેલી ટીપરવાન હવે રસ્તાઓ પર લોકો માટે મુશ્કેલીરૂપ સાબિત થાય છે. કચરો પૂરા કરવાના ટાર્ગેટ સામે એટલો બધો ઠાંસી-ઠાંસીને કચરો ભરવામાં આવે છે કે વધારાનો કચરો પાછળથી પડતો જાય છે અને ભીનો-સુકો કચરો ભેગો કરીને ભરવાથી ટીપરવાનની બાજુમાંથી નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. એટલું જ નહીં ટીપરવાન ચાલકને રોજના કચરા માટે ટાર્ગેટ આપવામાં આવે છે અને ટાર્ગેટ પૂરો કરવા ઉકરડામાંથી પણ કચરો ભરી ટીપરવાન ખચોખચ ભરતા હોય છે. ભીનો અને સુકો કચરો બંને ભેગા કરતા એટલા અંશે દુર્ગંધ ફેલાતી હોય છે કે બાજુમાંથી નીકળવું પણ મુશ્કેલ બને છે. ‘નવું-નવું નવ દિવસ’ આ કહેવત મુજબ પહેલાં ટીપરવાનમાં ‘સ્વચ્છતા હક હે હમારા’નું ગીત વાગતું પરંતુ હવે તો સીટીના પણ ફાંફાં
પડ્યા છે.
- Advertisement -
ઘરે-ઘરે જઈને કચરો લેવાના બદલે દૂરથી કચરો આપી જવાની નાગરિકોને પરાણે ફરજ પાડતા આ ટીપરવાન ડ્રાઈવરો સામે તંત્ર ક્યારે એકશન લેશે? મનપા દ્વારા શું આ સમસ્યાનું સમાધાન કરવામાં આવશે? તે હવે જોવું રહ્યું.
ટીપરવાનની દૈનિક 60થી વધુ ફરિયાદો
મહાનગરપાલિકાએ શહેરમાં કચરો એકત્ર કરવા માટે અનેક ટીપરવાન રાખી છે. જેમાં ટીપરવાન દ્વારા દૈનિક 1500થી વધુ ઘરોમાં કચરો લેવા જઇ રહી છે. શહેરમાં એક ટીપરવાન પાછળ દૈનિક અંદાજે 1500નો ખર્ચ થાય છે. શહેરમાં ટીપરવાન કચરો લેવા માટે આવી નથી તેવી ફરિયાદો ઊઠી રહી છે. રાજકોટમાં ટીપરવાન કચરો લેવા આવી નહીં હોવાથી કોલ સેન્ટર અને વોર્ડ ઓફિસમાં દૈનિક 60થી વધુ ફરિયાદ સામે આવી રહી છે.
ટિપરવાનમાં પાછળ રાખેલા કોથળાથી ફેલાતી ગંદકી
ટીપરવાન પેટીપેક બંધ હોવું જોઇએ. જ્યાથી કચરો નાખવામાં આવે ત્યા બે અલગ અલગ પાર્ટિશન રાખવાના છે. પરંતુ ટીપરવાનના ડ્રાઇવર અને ક્લિનર ઉપરની આવક મેળવવા માટે શહેરીજનો કાગળ, બોક્સ કે અન્ય વસ્તુઓ આપે તે રાખવા માટે ગાડી પાછળ કોથળા રાખે છે અને તેમા નાખતા હોય છે. આ કોથળાના કારણે શહેરમાં ગંદકી ફેલાઇ રહી છે. તેમાં રાખેલો કચરો બહાર પડતો હોય છે.
- Advertisement -



