દેશના પશ્ચિમ સિમાડા સાથે જોડાયેલા દેવભુમિદ્વારકા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેકટ એવા ઓખા અને બેટદ્વારકા વચ્ચે સમુદ્રમાં રૂ. 950 કરોડના ખર્ચે નવનિર્મિત સુદર્શન સેતુમાં અનેક સ્થળે ગાબડા પડી ગયા હોવાની વિગતો સાથેના ફોટા વીડિયો સોશ્યલ મીડીયામાં વાઈરલ થતાં બ્રિજના બાંધકામ સામે અનેક સવાલો ઉભા થયા હતાં.
રૂ. 950 કરોડનાં ખર્ચે બનેલા બ્રિજના બાંધકામમાં પોલંપોલ
દ્વારકા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદને લીધે અનેક રસ્તાઓ ધોવાયા છે. ખેતરોમાં પાણી ભરાયા છે. પાણી પુરવઠા બોર્ડના કામ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. પરીવહન સેવાઓને પણ વ્યાપક અસર થઈ છે. તેવા સંજોગોમાં ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજમાં અનેક સ્થળે ગાબડા પડયા હતાં. બ્રિજના જોઈન્ટ છુટા પડી ગયા હતા તેમજ બ્રિજના સળિયા બહાર દેખાતા હોવાના ફોટા-વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. બ્રિજની રેલીંગને પણ કાટ લાગી ગયો હોવાથી બાંધકામમાં પોલંપોલ ચાલતી રહી હોવાનું ખુલ્લું પડી ગયું હતું.
- Advertisement -
બ્રિજના નિર્માણનું કામ એસ.પી. સિંગલા કન્સ્ટ્રકશન કંપનીને સોંપવામાં આવ્યું હતું
સુદર્શન બ્રિજના નિર્માણનું કામ એસ.પી. સિંગલા કન્સ્ટ્રકશન કંપનીને સોંપવામાં આવ્યુ હતુ. આ કંપની મોટા મોટા પુલો બનાવવા માટે જાણીતી છે. અલબત અહી સુદર્શન બ્રિજનું કામ ચાલુ હતુ તે સમય દરમિયાન જ બિહારમાં ગંગા નદી ઉપર આ કંપની દ્વારા બનાવવામાં આવેલો પુલ ધરાશાયી થઈ ગયો હતો. આ ઘટના પછી સુદર્શન સેતુનો પ્રોજેકટ આ કંપની પાસેથી પરત લઈ લેવાની અટકળો પણ શરૂ થઈ હતી.
પાંચ મહિના પહેલા જ વડાપ્રધાને પ્રોજેકટનું લોકાર્પણ કર્યું હતું
- Advertisement -
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ સમાન સુદર્શનસેતુમાં ભારે વરસાદને લીધે અનેક સ્થળે ગાબડા પડયા હોવાની વિગતો આજે બહાર આવ્યા પછી સરકારીતંત્ર દોડતુ થઈ ગયુ હતુ. પરંતુ ઓખાથી સુદર્શન બ્રિજ ઉપર જવા માટે ચારે બાજુ ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાયા હોવાથી બ્રિજ ઉપર જવું મુશ્કેલ બની ગયું હતું. તેથી દ્વારકા સાઈડથી બ્રીજ ઉપર જઈને ગાબડા બુરવા માટે કામે તંત્ર લાગ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
બ્રિજના નબળા બાંધકામનાં ફોટા વાયરલ થતાં સરકારી તંત્રમાં દોડધામ
અલબત ચોમાસાની શરૂઆતમાં જ સુદર્શન બ્રિજની પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. તેથી ભ્રષ્ટાચારની વિગતો ચર્ચાસ્પદ બને તે પહેલાં તાત્કાલિક પ્રોટેકશન વોલનું કામ કરી નાખવામાં આવ્યુ હતુ. પરંતુ મેઘરાજાએ સુદર્શન બ્રિજનાં બાંધકામની પોલંપોલને આજે ઉઘાડી પાડી દેતા સુદર્શન સેતુનાં નબળા બાંધકામનો મુદ્દો સમગ્ર દ્વારકા પંથકમાં ચર્ચાસ્પદ બની રહ્યો હતો.