વહેલી સવારે ટેમ્પો ટ્રાવેલર ડમ્પર પાછળ ઘુસી ગયું: જામનગર, લીંબડી પંથકના ત્રણેયે ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો: અન્ય સારવારમાં
લીંબડી પાસે પાણશીણા પોલીસ મથક હદ નજીક આજે વહેલી સવારે અમદાવાદ હાઇ-વે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં લીંબડી પંથક અને જામનગરના મળી 3 યુવકના ઘટના સ્થળે જ મૃત્યુ નિપયા હતાં. જયારે અન્ય મુસાફરોને ઇજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. પાણશીણા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના પગલે હાઇવે પર થોડો સમય ચકકાજામ સર્જાયો હતો.
- Advertisement -
પોલીસના સૂત્રોમાંથી મળેલી પ્રાથમિક વિગત મુજબ પેસેન્જર વ્હીકલ ટેમ્પો ટ્રાવેલર આજે વહેલી સવારે આશરે ત્રણેક વાગ્યાના અરસામાં આગળ જઇ રહેલા ડમ્પર પાછળ ઘુસી ગયું હતું.
અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, ટેમ્પો ટ્રાવેલરમાં બેઠેલા લીંબડીના ઉંટડી ગામના પરસોત્તમ પુનાભાઇ ઉધરેજીયા (ઉ.વ.33), શૈલેષ ભીખાભાઇ પરમાર (ઉ.વ.32) તથા જામનગરના ચમન મીર (ઉ.વ.30)એ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા હતાં. જયારે રાઠોડ સચીન ગોવિંદભાઇ (ઉ.વ.27) સહિતના મુસાફરો ઘાયલ થતાં સારવારમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ટેમ્પો ટ્રાવેલર ચાલક કદાચ રાત્રીના આગળ જતું ડમ્પર જોવામાં ચૂક ખાઇ ગયો હોય અથવા તો ઝોકું આવી ગયું હોય અને ટેમ્પો ટ્રાવેલર ડમ્પરની પાછળ ઘુસી ગયું હતું.
ધડાકાભેર અથડાયેલા ટેમ્પો ટ્રાવેલરની આગળની કેબીન સહિતનો ભાગ બુકડો બોલી ગયો હતો. ત્રણ પેસેન્જરના ટેમ્પો ટ્રાવેલરમાં જ મૃત્યુ થયા હતાં.