શ્રીયંત્રથી લઇને વશિકરણ યંત્ર પર રમાય છે જુગાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
- Advertisement -
રાજકોટ પાસે આવેલા શાપર ગામે જુગારીઓ જુગાર રમવા ધાર્મિક યંત્રનો સહારો લેતા થઈ ગયા હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. શાપરમાં આવેલા પ્રગતિ મોલ કોમર્શિયલ કોમ્પ્લેક્સની કેટલીક દુકાનોમાં ખુલ્લેઆમ ધાર્મિક યંત્રોના નિશાન પર પૈસા લગાવવાનો જુગાર ધમધમી રહ્યો છે.
’ખાસ-ખબર’ દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં સ્પષ્ટ જોવા મળે છે કે, કેવી રીતે યંત્રના જુગારમાં દર પંદર મિનિટે લકી ડ્રો થાય છે, જેમાં યંત્ર પર પૈસા લગાડનારને 10 રૂપિયાની સામે 100 રૂપિયા મળે છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, એલઈડી સ્ક્રીન પર 10 યંત્ર ઓનલાઈન દેખાતા હતા. દરેક યંત્રનો દર પંદર મિનિટે લકી ડ્રો થતો હતો, મોટાભાગના લોકો એકવાર તો પોતાનો નંબર લાગશે તેમ સમજીને વારંવાર જુદા જુદા યંત્ર પર પૈસા લગાવતા હતા. આ યંત્ર જુગારમાં જેમને યંત્ર લાગી જાય તેમને તેમણે લગાવેલા રૂપિયાના દસ ગણા રૂપિયા મળે છે.
આ યંત્ર જુગારની ખાસ વાત એ છે કે ગામેગામ યંત્ર પર ખેલાતા જુગારનો ડ્રો તમામ જગ્યાએ એક સરખો જ ખૂલે છે. આ યંત્ર જુગાર આજકાલથી રમાઈ રહ્યો નથી, અગાઉ પણ અનેકવાર પોલીસની ઝપટે આવી ગયો છે ત્યારે હવે શાપરમાં ચાલી રહેલા યંત્ર જુગાર પોલીસ કેવા અને ક્યારે પગલાં ભરશે એ જોવું રહ્યું.
- Advertisement -
રોકડા પૈસાનો લાખોનો વ્યવહાર: ‘ખાસ-ખબર’ના સ્ટિંગમાં કેદ થઇ કૂપ્રવૃત્તિ
શું છે યંત્રનો જુગાર?
કોમ્પ્યુટરની સ્ક્રીનમાં 10 ધાર્મિક યંત્રો જોવા મળે છે. જેમાં શ્રી યંત્ર, વશીકરણ યંત્ર, પ્લેનેટ યંત્ર વગેરે ફોટા દેખાય છે અને તેની નીચે એકથી દસ નંબરના આંકડા લખેલા હોય છે. જે યંત્ર પર પૈસા લગાડવામાં આવે તે યંત્રનો નંબર ડ્રોમાં આવે તો દસ ગણા પૈસા મળે છે. જે જીતે તેને 10 રૂપિયા લગાવેલા હોય તો તેની સામે 100 રૂ. મળે છે, આ જુગારમાં દર 15 મિનિટે ઓનલાઈન ડ્રો કરવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈથી ઓપરેટ થતા આ વેપારમાં એક જ સર્વરનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી આ વેપારમાં દર 15 મિનિટે ડ્રો ખૂલે છે, જેની ખાસિયત એ છે કે દેશમાં કોઈપણ જગ્યાએ આ એકસરખો ડ્રો ખૂલે છે. જો ગુજરાતના કોઈ શહેરમાં શિવ યંત્ર ખૂલે તો પછી મહારાષ્ટ્રમાં પણ શિવ યંત્ર ખૂલે છે.