વિદ્યાસહાયકોના ઉમેદવારોએ ઘેર્યું ગાંધીનગર
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાત સરકાર સામે અવાર-નવાર આંદોલનનું રણશિંગુ ફૂંકનાર શિક્ષકો ફરી એકવાર મેદાને આવ્યા છે. ગાંધીનગર આજે ફરી વિદ્યાસહાયકોના ઉમેદવારોની છાવણી બન્યું છે. વિદ્યાસહાયકોએ બાકી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની સંખ્યા વધારવા માટે માંગ કરી છે. આંદોલનકારીઓનું કહેવું છે કે, અનેકવાર ધોરણ 1 થી 5 ધોરણના વિદ્યાસહાયકોની ભરતી માટે રજૂઆત કરવામાં આવી છે. જોકે, વારંવાર રજૂઆત છતાં માંગ પૂરી ન થવાના કારણે આજે ફરી આંદોલન પર ઉતર્યા છે. આંદોલન પર ઉતરેલા ઉમેદવારોની માંગ છે કે, ધોરણ 1 થી 5 વિદ્યાસહાયકની ભરતી માટે જગ્યામાં વધારો કરવામાં આવે. ધોરણ 1 થી 5માં આશરે 18 હજાર શિક્ષકોની જગ્યા ખાલી છે અને તેની સામે માત્ર 5 હજાર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 6 થી 12 માં 50 ટકાથી વધુ ભરતી કરવામાં આવી છે તો 1 થી 5 ધોરણમાં કેમ નહીં? ધોરણ 1 થી 5 એ બાળકોનું પાયાનું શિક્ષણ છે, ત્યારે વિદ્યાસહાયકોની યોગ્ય ભરતી ન કરવી તે શિક્ષકોની સાથે-સાથે બાળકો સાથે પણ અન્યાય છે.
- Advertisement -
આંદોલન કરી રહેલાં ઉમેદવારોએ કહ્યું કે, ધોરણ 1 થી 6 માટે ખૂબ જ ઓછી જગ્યા આપવામાં આવી છે. કારણ કે, જૂના શિક્ષકની ભરતી કરવામાં આવી તો જૂના શિક્ષકોએ આ વિષયોની જગ્યા લઈ લીધી છે. જોકે, જૂના શિક્ષકની જગ્યા જે કહેવાય છે, તે હકીકતમાં ભરતી નથી માત્ર બદલી છે. પરંતુ સરકારે તેને ભરતી કહીને આ જગ્યા જૂના શિક્ષકોને આપી દીધી. તેથી, ગુજરાતી વિષયની જગ્યાઓ ઓછી આવી. આવા જૂના શિક્ષકોની તેમજ 31 ઓક્ટોબરે નિવૃત્ત થયાં તે શિક્ષકોની જગ્યાઓ ચાલુ ભરતીમાં ઉમેરવામાં આવે તેવી અમારી માંગ છે.



