સાર્થક બિલ્ડિંગમાં રહેણાંક હેતુનો પ્લાન કોર્પોરેશનમાં દર્શાવીને કોમર્શિયલ હેતુ માટે ફાળવી દેવાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેર જમીન કૌભાંડોનું એ.પી.સેન્ટર બની ગયું હોય તેમ દિવસ ઉગે અને એક કૌભાંડ ઉજાગર ન થાય તો જ નવાઇ લાગે એટલી હદે રાજકોટની ચારેય દિશાઓમાં કૌભાંડો થયા છે, થઈ રહ્યા છે ક્વચિત થતાં રહેશે. આ ક્વચિત એટલા માટે કે સૌથી ઓછી મહેનતે, કુબુદ્ધિથી અને ઝડપથી માલામાલ થવાનો એ શોર્ટકટ અપનાવવામાં કહેવાતા રાજકીય અગ્રણીઓની વિવાદિત ભૂમિકા મુખ્ય હોય છે. દેશની આજની તાસીર પ્રમાણે નજીકના ભવિષ્યમાં તેમાં કોઈ સુધારો થાય તેવો આછો પાતળો આશાવાદ પણ દેખાતો નથી. અન્યથા રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી માધ્યમોમાં ગાજતા ‘સાર્થક’ નામના બિલ્ડિંગમાં આચરાયેલી શ્રેણીબદ્ધ ગેરરીતિઓ સામે ધડાધડ પગલા લેવાઈ ગયા હોત.
એસ્ટ્રોન ચોક નજીક મોકાની જગ્યા પર બે પ્લસ વન માળની પરમિશન લઈને ખડકાઈ ગયેલા ચાર માળના બિલ્ડિંગ મામલે દસ્તાવેજી પુરાવાઓ સાથે માધ્યમોમાં અહેવાલો પ્રસિદ્ધ થઈ રહ્યા છે. લોન ક્ધસલ્ટનટ તરીકે વ્યવસાય કરતા બિલ્ડર સામે ગંભીર આક્ષેપોયુક્ત આ અહેવાલોમાં રેરા વિભાગ સાથે કરવામાં આવતી ગેરરીતિ, કોર્પોરેશનના વિવિધ વિભાગો સાથે આચરવામાં આવતી યુક્તિ પૂર્વકની પ્રયુક્તિ, સંભવિત ગ્રાહકોને છેતરવામાં લાગુ પડાતી મોડસ ઓપરેન્ડીથી લઈને તમામ પ્રકારના વ્હાઈટ કોલર સ્કેમ ઉજાગર કરવામાં આવ્યા હોવા છતાં આજ દિવસ સુધી માસ્ટર માઈન્ડ બિલ્ડરના ગળા સુધી કાયદાનો લાંબો હાથ પહોચી શક્યો નથી. એ સાબિત કરે છે કે આવા વ્યક્તિઓને તમામ લાગતાં વળગતા લોકો સાથે ઘનિષ્ઠ સબંધો હોય છે.
સાર્થક નામના બિલ્ડિંગમાં રહેણાંક હેતુંનો પ્લાન કોર્પોરેશનમાં દર્શાવીને કોમર્શિયલ હેતુ માટે ફાળવી દેવાયો છે. ચાર માળ પૈકી બે માળમાં છડેચોક ગેરરીતિ દેખાઈ રહી છે. વિવિધ પ્રકારની એન. ઓ.સી. મેળવવામાં પણ નૈવેદ્ય ધરાયા હોય તો જ અને તો જ કામ થયું હોય એ દીવા જેવી સ્પષ્ટ વાત છે. આમાં મેઘાણી નામના આર્કિટેક્ટની ભૂમિકા પણ સંદિગ્ધ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.જે તે પ્રોજેક્ટમાં રેરા ક્ધસલ્ટનટ હોવાનો દાવો કરનારા બિલ્ડર ક્ધસલટન્સીના સીધા વ્યવસાયના બદલે છટકબારીઓ થકી સેટિંગ કરાવી આપતો હોવાનું જગ જાહેર થયા પછી નામાંકીત બિલ્ડરોને તેનામાં રસ પડ્યો હોય શકે છે.
- Advertisement -
સામાન્ય માણસને 50 વારના પ્લોટમાં નીચે ઉપર બે રૂમ રસોડાવાળું મકાન બનાવવું હોય તો પણ મનપા સહિતના વિવિધ વિભાગોની ઢગલાબંધ પ્રક્રિયાઓમાંથી પસાર થતાં થતાં સ્હેજે’ય એકાદ વરસ નીકળી જાય છે અને એમાં પણ ટેબલે ટેબલે અટવાતી ફાઈલ આગળ ધકેલવા કઈકને કઈક નૈવેદ્ય ધરાવવા પડતા હોય છે. ત્યારે સ્વાભાવિક રીતે જ બિલકુલ કાયદાની મર્યાદા નેવે મૂકીને જ જેને કામ કરવું છે કે કરાવવું છે તેવા અમુક મોટા બિલ્ડરો કેટકેટલા નાણાં ખવડાવતા હશે? આવી વ્યભિચારી સાંઠગાંઠને કારણે જ સાગઠીયા કે મિત્રા જેવા (અનૌરસ) અધિકારીઓ જન્મે છે.
રાજકોટમાં આ એક જ બિલ્ડિંગની વાત નથી. આવા સેંકડો બિલ્ડિંગો શહેરની ચારેય દિશાઓ માં વ્યાપ્ત છે. છતાં છીંડે ચડ્યો તે ચોરની ઉકતી મુજબ કે પ્રોપર સેટિંગ ન થયું હોય તેવી ગેરકાયદે મિલકતો સામે જ કાર્યવાહી થાય છે. લગભગ તો મોટા પ્રોજેક્ટ્સમાં નામાંકીત બિલ્ડરો સાથે સ્લિપિંગ પાર્ટનર તરીકે કોઈને કોઈ રાજકીય અગ્રણીની ભૂમિકા હોય જ છે. તો જ પ્રોજેક્ટ નિર્વિઘ્ને સફળ થતાં હોય છે. સાર્થક નામના બિલ્ડિંગમાં પણ ક્યાંકને ક્યાંક કોઈ રાજકીય પીઠબળ સ્લીપિંગ મોડમાં કાર્યરત હોય શકે છે.
કેમકે અખબારી અહેવાલો મુજબ છેક જી.એસ.ટી વિભાગ સુધી જો બિલ્ડરના છેડા હોય તો એ છેડા રાજકીય ઓથ વગર શક્ય નથી. યેનકેન પ્રકારે આવા બિલ્ડિંગો ખડકાઈ ગયા પછી ગ્રાહકોને પણ ઊંધા ચશ્મા પહેરાવીને, કે પછી ભોળવીને, કે પછી લાલચથી પધરાવી દેવામાં આવે છે, જે ગ્રાહકોને લાખોનું રોકાણ કર્યા બાદ પણ અંતે તો ‘વિવાદિત બિલ્ડિંગમાં મિલકત ધારક’નું લેબલ લાગી જાય છે. આવી વિવાદિત પ્રોપર્ટી ઉજાગર થાય ત્યારે રી – સેલ કરવામાં પણ પ્રાથમિક ગ્રાહકે ખોટ ખમવી પડે છે. ગ્રાહકોના હિતમાં પણ ભ્રષ્ટાચાર આચરીને બનાવેલા આવા પ્રોજેક્ટો રોકવા જરૂરી બન્યા છે.