ખાસ-ખબર ન્યૂઝ ઉમરેઠી, તા.6
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સીધી સૂચના અને માર્ગદર્શન તથા નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલની દેખરેખ હેઠળ ઇકો સેન્સિટીવ ઝોનમાં ગેરકાયદેસર ખનનની ફરિયાદ મળતાં વેરાવળ પ્રાંત અધિકારી, તલાલા મામલતદાર અને ખાણ ખનીજ વિભાગની ટીમે રેડ કરતાં તલાલા તાલુકાના ઉમરેઠી ગામેથી લીઝ ધારક નગાભાઈ દેવાયતભાઈ ચાંદેરાના પ્રતિનિધિ ધવલ હીરાભાઈ સોલંકી પાસેથી 26,052 મેટ્રિક ટન બ્લેક ટ્રેપનો ગેરકાયદેસર જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેની કિંમત પ્રતિ મેટ્રિક ટન 453.60 ગણતા કુલ રકમ રૂ.1,18,01,556 થાય છે. આ ઉપરાંત, સ્થળ ખાતેથી જેસીબી પણ જપ્ત કરવામાં આવ્યું હતું. જેની કિંમત આશરે રૂ.40 લાખ ગણતાં કુલ રૂ.1.58 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. કલેક્ટરે મોટા જથ્થાને ઝડપ્યા બાદ ખાણની અંદર ગેરકાયદેસર ખનનની માપણી થયે ધોરણસરનો દંડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.