ડાયાબિટીસ, ચેપ સામે રક્ષણ આપતી દવાઓના ભાવમાં પણ વધારો થશે
આવશ્યક દવાની કેટેગરીમાં આવતી હૃદયરોગ, જ્ઞાનતંતુ-મજ્જાતંતુની સમસ્યાઓ, કાન, નાક અને ગળાની તકલીફ, ન્યુરોલોજિકલ ડિસઓર્ડરની દવાઓ સહિતની 900થી વધુ દવાઓના ભાવમાં પહેલી એપ્રિલ 2025થી વધારો થશે. ડાયાબિટીસ, ચેપ સામે રક્ષણ આપતી દવાઓના ભાવમાં પણ વધારો થશે. આ ભાવ વધારો પોણા બે ટકાની આસપાસનો છે. નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ આ ભાવ વધારાને મંજૂરી આપી છે. દર વર્ષે આ વધારો આપવામાં આવે છે. આગળના વર્ષના 2024ના હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સની વધઘટને આધારે આ ભાવ સુધારો કરવામાં આવે છે. ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડરના ફકરાં નંબર 16(2)માં મેન્યુફેક્ચરર્સને હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સના વધારા પ્રમાણે દવાના ભાવમાં વધારો કરવાની છૂટ આપવામાં આવેલી છે.
- Advertisement -
ન્યુરોલોજિકલ, એન્ટિબાયોટિક્સ તથા એન્ટિબેક્ટેરિયલની દવાઓમાં ભાવ વધારો
2023ની હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સની તુલનાએ ૨૦૨૪માં જોવા મળેલા વધારાને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત વધારો માન્ય રાખવામાં આવ્યો છે. હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સમાં આવેલા વધારા પ્રમાણે દવાના મેન્યુફેક્ચરર્સ તેમની દવાના ભાવમાં પોણા બે ટકા સુધીનો વધારો કોઈની પણ આગોતરી મંજૂરી લીધા વિના કરી શકે છે. આ સિવાયના કિસ્સાઓમાં દવાના ઉત્પાદકોએ નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી સમક્ષ રજૂઆત કરીને ભાવમાં વધારો કરી આપવાની વિનંતી કરવી પડે છે.
સ્ટેન્ટના ભાવમાં પણ વધારો થશે
- Advertisement -
હૃદયરોગના દર્દીઓ માટે વપરાતા બેર મેટલના સ્ટેન્ટની કિંમત 10,993 રૂપિયા કરી દેવામાં આવી છે. સમયાંતરે લોહીમાં દવા છોડયા કરતા સ્ટેન્ટની કિંમત 38.933 રૂપિયા નક્કી કરવામાં આવી છે. હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સના વધારાને આધારે તેના ભાવમાં પણ બે ટકાનો વધારો કરી શકે છે. આ વધારો 200 થી 790 રૂપિયા સુધીનો આવી શકે છે. જોકે સ્ટેન્ટના ભાવ ઘટયા પછી તેની પ્રોસિજર એટલે કે સ્ટેન્ટ બેસાડવાની પ્રક્રિયાના ચાર્જ ડૉક્ટરે બમણા કે ત્રણ ગણા કરી દીધા છે. પહેલા સ્ટેન્ટના ભાવ 1.50 થી 1.80 લા લેવાતા હતા. સ્ટેન્ટના ભાવ ઘટ્યા પછી ડૉક્ટરોએ તેને બેસાડવાની પ્રક્રિયા ભાવ વધારી દઈને દર્દીના ખિસ્સા પરનો બોજ હળવો થવા દીધો નથી.
એન્ટિબાયોટિકની દવામાં ભાવ વધારો
એન્ટિબાયોટિક તરીકે એઝિથ્રોમાઈસિનનો ઉપયોગ વ્યાપકપણે કરવામાં આવે છે. એઝિપ્રોમાઈસિનને 250 એમજીની ટેબ્લેટની મહત્તમ કિંમત 11.87 રૂપિયા અને 500 એમજીની ટેબ્લેટની એમ.આર.પી. 23.98 રૂપિયા રાખવામાં આવેલી છે. તેની સામે એન્ટિબેક્ટેરિયલ ડ્રાય સિરિપ એમોક્સિસિલીન અને ક્લેવાલાનિક એસિડની મહત્તમ મિલિલીટર દીઠ કિંમત 2.09 રૂપિયા નક્કી કરવામાં આવી છે. એસિક્લોવિર જેવી એન્ટિવાયરલ દવાના 200 એમજીની ટેબ્લેટના મહત્તમ ભાવ 7.74 અને 400 એમજી ટેબ્લેટના 13.90 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. તેમજ એન્ટિમેલેરિયાની દવા હાઈડ્રોક્લોરોક્વિની 200 એમજીની ટેબ્લેટના 6.47 અને 400 એમજીની ટેબ્લેટના 14.04 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યો છે.
પેઇનકિલર તરીકે વપરાતી દવા ડાઈક્લોફેનાકની ટેબ્લેટનો મહત્તમ ભાવ 2.09 નક્કી કરવામાં આવ્યો છે. આ જ રીતે આઈબુપ્રોફેન 200 એમજીની ટેબ્લેટનો ભાવ 0.72 પૈસા અને 400 એમજીની ટેબ્લેટનો ભાવ1.22 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. આ સિવાય ડ્પાગ્લિફ્લોઝિન, મેટફાર્મિન હાઈડ્રોક્લોરાઈડ અને ગ્લિમિપ્રાઇડ ટેબ્લેટદીઠ ભાવ 12.74 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.
નેશનલ લિસ્ટ ઑફ એસેન્શિયલ મેડિસિનમાં એનેસ્થેશિયાની, એલર્જીનો પ્રતિકાર કરવાની ક્ષમતા ધરાવતી દવાનો પણ સમાવેશ થાય છે. આ દવાઓમાં પેરાસિટામોલ, એનિમિયા તથા વિટામિનની દવાઓનો પણ નેશનલ લિસ્ટ ઑફ એસેન્શિયલ મેડિસિનમાં સમાવેશ થાય છે.