મારે અમેરિકા જવું છે (ભાગ-1)
ઈ.સ. 1492માં જ્યારે કોલંબસે અનાયાસે અમેરિકા ખંડની શોધ કરી ત્યારે યુરોપમાં અને ઈંગ્લેન્ડમાં પુષ્કળ આંધાધૂંધી હતી. રજાઓ અને ધર્મગુરુઓ વચ્ચે લડાઈ-ઝઘડા હતા. તેઓ બન્ને પ્રજાને રંજાડતા હતા, દુષ્કાળ પડેલો હતો, પોટેટો ફેમિન હતો આમ યુરોપ અને ઈંગ્લેન્ડની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. લોકો ત્રાસેલા હતા. એવામાં જ્યારે એમને જાણ થઈ કે એક નવો દેશ શોધાયો છે. જે ખૂબ ખૂબ મોટો છે. ખેતીવાડી માટે ત્યાં પુષ્કળ જમીનો ઉપલબ્ધ છે. એટલે તેઓ એ દેશ પ્રત્યે આકર્ષાયા અને ત્યાં જવા લાગ્યા.
ધીરે ધીરે ત્યાં જતાં લોકોની સંખ્યામાં ખૂબ વધારો થયો એટલે ત્યાં જઈને વસેલા લોકોને વિચાર આવ્યો કે આમ જો બધાને આવવા દઈશું તો પછી એ લોકો આપણી સંપત્તિમાં અહીંની જે જમીનો છે, જમીનની અંદર જે ખનીજો છે એમાં ભાગ પડાવશે અને અનઈચ્છનીય તત્વો એટલે કે ગુનેગારો, ચોર, લૂંટારા, રોગીષ્ટો, ભિખારીઓ એ લોકો બધા પણ અહીં આવી જશે.
આથી આ બધાને અટકાવવા માટે એમણે એક પછી એક કાયદાઓ ઘડવા માંડ્યા. સૌ પ્રથમ એમણે એવું નક્કી કર્યું કે જે લોકો અમેરિકા આવવા માંગતા હોય એમની પાસે ઓછામાં ઓછા પંદર ડોલર હોવા જોઈએ. પછી એવું નક્કી કર્યું કે તમે અમેરિકામાં પ્રવેશો તો તમારે માથાદીઠ ટેક્સ આપવો પડશે. જે પહેલા પચાસ સેન્ટ હતો એ ધીરે ધીરે વધ્યો અને આજે પણ એ જુદા જુદા પ્રકારની વિઝા ફીમાં લેવામાં આવે છે. ત્યારબાદ એવું નક્કી કર્યું કે ભિખારીઓ, રોગીષ્ટો, ગુનેગારો, જેલ જઈ આવેલી વ્યક્તિઓ, વેશ્યાઓ આવા લોકોને અમેરિકામાં પ્રવેશ ન આપવો.
કેલિફોર્નિયામાં સોનું જડ્યું અને ચીનાઓએ સોનાની ખાણમાં કામ કરવા દોટ મૂકી. આથી ચીનાઓને અટકાવવા વર્ષ 1882માં અમેરિકાએ ‘ધ ચાઈનીઝ એક્સ્ક્લુઝન એક્ટ’ ઘડ્યો. ત્યારબાદ જાપાનીઝ લોકો બહુ સસ્તા દરે અમેરિકામાં કામ કરવા જતાં હતા એમને અટકાવવા અમેરિકાએ જાપનીઝ સરકાર જોડે એગ્રીમેન્ટો કર્યા. એમાં એમણે એવું ઠરાવ્યું કે જે જાપનીઝ અમેરિકામાં કામ કરવા આવવા માંગતો હોય એમને જાપાનની સરકારે પાસપોર્ટ જ નહીં આપવો. આ કરારને જેંટલમેન્ટ્સ એગ્રીમેન્ટ કહેવામાં આવ્યો. આમ એક પછી એક કાયદાઓ ઘડીને કુદરતનો સ્થળાંતરનો નિયમ ‘પુશ એન્ડ પુલ’ અમેરિકાએ બાજુએ મૂક્યો અને કાયદાઓ ઘડીને ‘ધ થિયરી ઓફ લેજીસ્લેટિવ રિસ્ટ્રેન્ટ’ અપનાવી. એટલે કે એમને જે વ્યક્તિને અમેરિકામાં આવવા દેવી હોય એમને જ અમેરિકામાં આવવા દેવી આવું નક્કી કરવામાં આવ્યું.
એક પછી એક અમેરિકામાં પ્રવેશવા માટે ઈમિગ્રેશનના કાયદાઓ ઘડવામાં આવ્યા. છેવટે વર્ષ 1952માં ‘ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ’ ઘડવામાં આવ્યો. આની હેઠળ બે પ્રકારના વિઝા ઘડવામાં આવ્યા. જે લોકોને કોઈ ખાસ કારણસર ટૂંક સમય માટે અમેરિકા જવું હોય એમના માટે નોન ઈમિગ્રન્ટ વિઝા અને જેઓ કાયમ માટે અમેરિકામાં રહેવા જવા માંગતા હોય એમના માટે ઈમિગ્રન્ટ વિઝા.
‘નોન ઈમિગ્રન્ટ વિઝા’ અનેક પ્રકારના છે. ‘બી-1/બી-2’ બિઝનેસમેનો અને ટુરિસ્ટો માટે છે, ‘એફ-1’, ‘એમ-1’, ‘જે-1’ વિદ્યાર્થીઓ માટે છે, ‘એચ-1બી’ સ્પેશિયાલિટી ઓક્યુપેશન વર્કરો માટે છે, ‘એલ-1’ વિઝા આંતર કંપની ટ્રાન્સફરી મેનેજરો, એક્ઝિક્યુટિવો અને ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ માટે છે, ‘આર-1’ વિઝા ધર્મગુરુઓ માટે છે, ‘આઈ’ વિઝા અખબારના રિપોર્ટરો માટે છે, ‘પી-3’ વિઝા સાંસ્કૃતિક કાર્યક્રમો ભજવવા માટે અમેરિકા જવા ઈચ્છતા લોકો માટેના છે, ‘કે-1’ વિઝા જે લોકો અમેરિકન સિટીઝન જોડે અમેરિકામાં લગ્ન કરવાની ઈચ્છા ધરાવતા હોય અને લગ્ન અમેરિકામાં જ કરવા હોય અને અમેરિકન સિટીઝનને પાછલા બે વર્ષમાં ઓછામાં ઓછું એક વાર પણ રૂબરૂ મળ્યા હોય એમના માટે છે.
આમ જુદા જુદા પ્રકારના ‘નોન ઈમિગ્રન્ટ વિઝા’ ઘડવામાં આવ્યા. મોટાભાગના ‘નોન ઈમિગ્રન્ટ વિઝા’ પરદેશીઓ પોતપોતાના દેશમાં જ આવેલ અમેરિકન કોન્સ્યુલેટમાં જઈને અરજી કરીને મેળવી શકે છે. અમુક પ્રકારના ‘નોન ઈમિગ્રન્ટ વિઝા’ માટે અમેરિકામાં પિટિશન દાખલ કરવું પડે છે અને એ મંજૂર થયા પછી પોતાના દેશમાં અરજી કરીને વિઝા મેળવી શકાય છે. અમુક પ્રકારના ‘નોન ઈમિગ્રન્ટ વિઝા’ વાર્ષિક કોટાથી સીમિત હોય છે. આમ જુદા જુદા પ્રકારના જે કાર્યો કરવા તમે અમેરિકા ટૂંક સમય માટે, કાયમ માટે નહીં, જવા ઈચ્છતા હોવ એમના માટે ઘડવામાં આવ્યા છે.
જો તમારે કોઈ ખાસ કામ માટે અમેરિકા જવું હોય તો કયા વિઝાની જરૂરિયાત છે એ જાણી લેવું જોઈએ? એ વિઝા મેળવવા માટે શું શું લાયકાતો હોવી જોઈએ? એ જાણી લેવું જોઈએ.
જો તમારે અમેરિકામાં કાયમ રહેવું હોય તો ‘ઈમિગ્રન્ટ વિઝા’ જોઈએ.
તમારો જન્મ જો અમેરિકામાં થયો હોય, પછી તમારા માતા-પિતા ભલે અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશેલા હોય, પણ જન્મના આધારે પણ તમને અમેરિકાની સિટીઝનશિપ પ્રાપ્ત થઈ શકે છે. જો કે હાલમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જે ‘બર્થ સિટીઝનશિપ’ છે એ દૂર કરવાનું જાહેર કર્યું હતું, પણ કોર્ટે એમના એ ઓર્ડરને સ્થગિત કરી દીધો છે.



