ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જગત જનની જગદંબાની આરાધનાના પવિત્ર નવરાત્રિના પ્રારંભના પ્રથમ દિવસે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન (ઉમિયાધામ- રાજકોટ) દ્વારા રાજકોટમાં વસતા પરિવારને ગરબાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. શક્તિની ભક્તિના આ પર્વમાં રાજકોટના તમામ કડવા પાટીદાર પરિવારો માતાજીનો ગરબો ઘેર પધરાવે છે અને સમગ્ર પરિવાર નવ દિવસ સમૂહમાં શક્તિ આરાધના કરી કુળદેવી મા ઉમિયાના સુખ- સમૃદ્ધિ- શાંતિના આશિષો પ્રાપ્ત કરે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે છેલ્લા પાંચ વર્ષથી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન (ઉમિયાધામ રાજકોટ) રાજકોટમાં વસતા પરિવારને ગરબાનું નિ:શુલ્ક વિતરણ કરે છે. નિ:શુલ્ક ગરબાની વિશેષતા એ છે કે તમામ ગરબા માત્ર માટીમાંથી તૈયાર કરવામાં આવ્યા છે અને તેના પર માત્ર પરંપરાગત ગેરુ રંગ જ લગાડવામાં આવ્યો છે. આ ઈકો ફ્રેન્ડલી ગરબાનું નવરાત્રિ પૂર્ણ થયે ગરબો પાણીમાં પધરાવી દેવો અને તે માટીમાં ફેરવાય જશે એટલે માટી ઘરના તુલસીક્યારામાં પધરાવી દેવી માહિતી પણ આપવામાં આવી હતી.
- Advertisement -
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન પ્રમુખ અરવિંદભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ સંગઠનની ટીમ દ્વારા ગરબાના નિ:શુલ્ક વિતરણનો કાર્યક્રમ સુંદર રીતે પાડ્યો હતો. સમગ્ર શહેરમાં ગરબા સરળતાથી મળી શકે તે માટે ગરબા વિતરણ સ્પીડવેલપાર્ટી પ્લોટ ઉપરાંત પાટીદાર ચોક સાધુ વાસવાણી રોડ, ફિલ્ડમાર્શલ વાડી, મોરબી રોડ, કલ્પવન (કાંગશીયાળી) અને શ્રી કડવા પટેલ સેવા સમાજ શાપર (વેરાવળ) ખાતેથી પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ગરબા પૂજન અને ગરબા વિતરણ દરમિયાન ટ્રસ્ટીગણ તથા કારોબારી સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંગઠનનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમને પાર પાડવા સંગઠનના તમામ હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.