જેકસનવિલે જેગુઆરના ભારતીય મૂળના પૂર્વ નાણાકીય મેનેજરને સજા
ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.14
- Advertisement -
અમેરિકન ફૂટબોલ ટીમ જેકસનવિલે જેગુઆરના ભારતીય મૂળના પૂર્વ નાણાકીય મેનેજરને 2.2 કરોડ ડોલરથી વધુની ચોરી કરવાના આરોપમાં છ વર્ષથી વધુની સજા ફટકારવામાં આવી છે. ફલોરિડાના અમેરિકન એટર્ની ઓફીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમિત પટેલને અમેરિકન જિલ્લા ન્યાયાધીશ હેનરી એલ એડમ્સે સજા આપી છે. કોર્ટે વાયર છેતરપિંડીના આરોપી પાસેથી 2.2 કરોડ ડોલરની રકમ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે અમિત પટેલને જેકસનવિલે જેગુઆર અને પોતાના પૂર્વ નોકરીદાતાને સંપૂર્ણ વળતર ચુકવવાનો આદેશ પણ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે અમિત પેટલે 14 ડિસેમ્બર, 2023ના રોજ પોતાનો ગુનો કબૂલી લીધો છે.
કોર્ટના દસ્તાવેજ અનુસાર અમિત પટેલે છેતરપિંડીની એક યોજના બનાવી હતી જે હેઠળ તેણે ફૂટબોલ ટીમના 2.2 કરોડ ડોલરની ઉચાપત કરી હતી. અમિત પટેલે કોઇ પણ કાયદેસર વ્યવસાયિક ઉદ્દેશ વગર અનેક ખરીદી અને લેવડદેવડ કરવા માટે ટીમના વર્ચ્યુઅલ ક્રેડિટ કાર્ડ (વીસીસી) કાર્યક્રમના પ્રશાસકના સ્વરૃપમાં પોતાની ભૂમિકાનો ઉપયોગ કર્યો હતો. કોર્ટે જણાવ્યું છે કે અમિત પટેલે 2019થી છેતરપિંડીની શરૃઆત કરી હતી જે 2023માં ત્યાં સુધી ચાલુ રહી જ્યાં સુધી તેને કાઢી મૂકવામાં આવ્યો ન હતો. આરોપીએ ઉચાપત કરેલા નાણામાંથી મોંઘી ઘડિયાળો, ઘરેલુ સામગ્રી સહિત અનેક વસ્તુઓ ખરીદી હતી. આરોપીએ ટેક્સ રિટર્નમાં આ વસ્તુઓનો ઉલ્લેખ કર્યો ન હતો.