ત્રણ સગા ભાઈઓ અને બનેવી સહિત ચાર યુવકોના મોત, 20 કલાકની શોધખોળ બાદ મળી આવ્યા મૃતદેહ
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામે ગઈકાલે થયેલી દુ:ખદ ઘટનાએ સમગ્ર પંથકને શોકમગ્ન કરી દીધું છે. ધાતરવડી નદીમાં નાહવા ગયેલા ચાર યુવકો – જેમાં ત્રણ સગા ભાઈઓ અને એક બનેવીનો સમાવેશ થાય છે – ડૂબી જતા મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ રાજુલા મામલતદાર, પોલીસ, ગઉછઋ, ફાયર વિભાગ અને સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ અને શોધખોળ કામગીરી હાથ ધરી હતી.
- Advertisement -
લગાતાર 20 કલાકની શોધખોળ બાદ પ્રથમ મેરાભાઈ ખીમાભાઈ પરમારનો મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં બીજા દિવસે હિંમતભાઈ ઉર્ફે પિન્ટુ પાચાભાઈ વાઘેલાનો મૃતદેહ ઝાપોદર ગામ નજીક નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ગુમ થયેલા અન્ય બે યુવકો – કાનાભાઈ ખીમાભાઈ અને ભરતભાઈ ખીમાભાઈ પરમાર -ના મૃતદેહ આજે સવારે મળી આવ્યા હતા.
ત્રીજો મૃતદેહ માંડરડી ગામના નદીકાંઠા પાસે મળ્યો હતો, જ્યારે ચોથો મૃતદેહ ઝાપોદર નજીકથી મળી આવ્યો હતો.
ચારેય યુવકો બર્બટાણા ગામના રહેવાસી હતા. એક જ પરિવારના ત્રણ સગા ભાઈઓ અને બનેવીના મોતથી સમગ્ર ગામમાં શોક છવાઈ ગયો છે. બર્બટાણા ગામમાં શોકમય વાતાવરણ છે. આ દુર્ઘટનામાં ગઉછઋ, રાજુલા મામલતદાર કચેરી, તાલુકા પંચાયત તથા ફાયર વિભાગની ટીમોએ બહાદુરીપૂર્વક શોધખોળ કામગીરી કરી હતી. ગામના સરપંચ પ્રતિનિધિ કે.બી. કામળીયાએ તમામ રેસ્ક્યૂ ટીમો અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.



 
                                 
                              
        

 
         
        