દૃશ્ય નં : 1
મુંબઈની એક ખાનગી ઓફિસમાં પટાવાળાની નોકરી કરતો એક યુવાન. મૂળ યુ.પી.નો વતની અને વાલ્મિકી સમાજનો આ આકાશ નામનો ગરીબ યુવાન 9000 રૂપિયાની આવકમાં માતા, પત્ની અને બે દીકરાઓ સાથે જિંદગીનાં ખાલીપામાં શ્વાસોને ભરવાની જહેમત કરતો હતો. અચાનક એને જાણ થઈ કે એના નાના દીકરા રાઘવને જન્મથી જ હૃદયમાં ગંભીર ખામી છે. વાડિયા હોસ્પિટલમાં સારવારના ચક્કરો કાપવામાં એના ચંપલ અને ખિસ્સું બંને ઘસાઈ ગયા. અંતે ડોક્ટરે કહી દીધું, “રાઘવનો જીવ બચાવવો હોય તો ઑપરેશન એ જ એક માત્ર ઉપાય છે. ખર્ચ થશે ત્રણ લાખ રૂપિયા.”
રાઘવની દાદી અને માતા-પિતા ભાંગી પડ્યાં. જ્યારે આખું જગત એમને અંધકારમય ભાસતું હતું ત્યારે અમદાવાદથી એમની ઓફિસમાં આવેલા સંજયભાઈ નામના ભગવાનના દૂત જેવા સજ્જને માહિતી આપી, “અમદાવાદ પાસે કાસિન્દ્રા ખાતે આવેલી શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલમાં પહોંચી જાવ. સાંઈરામ તમારા રાઘવ રામને બચાવી લેશે.”
આ રીતે રાઘવ કાસિન્દ્રાની હાર્ટ હોસ્પિટલમાં દાખલ થઈ ગયો. એના પરીક્ષણોનું કામ ચાલુ થઈ ગયું. દર્દીની સારવાર, ઓપરેશન, હોસ્પિટલ સ્ટે, સગાઓના ભોજન વગેરેનો સંપૂર્ણ ખર્ચ અહીં શૂન્ય બની જાય છે.
માતા-પિતાની આર્થિક હાલત નબળી હોય એમાં ચાર વર્ષના રાઘવનો શો વાંક? સર્જનહારના આ સુંદર સંતાનને જીવવાનો અધિકાર નથી? રાઘવનો ફોટો જોઈને તમે પોતે જ નક્કી કરો.
દૃશ્ય નં : 2
ભગવાન એણે પોતે પૃથ્વી પર મોકલેલા એક પણ રાઘવને મરવા ન જ દે. પણ આ વાત આપણે ધારીએ છીએ એટલી સરળ નથી. હોસ્પિટલ પાસે હોશિયાર ડોક્ટરો છે, સેવાભાવી ટ્રસ્ટીઓ છે, પણ પૈસાનું શું? ખર્ચને પહોંચી વળવા માટે તો ભગવાનની કૃપા હોવી જરૂરી છે. ભગવાન એની કૃપા કેવી રીતે વરસાવે?
અચાનક એક ઘટનાક્રમ રચાય છે. સુપ્રીમ કોર્ટના ઑનરેબલ જજ સાહેબશ્રી જમશેદ પારડીવાલા એમના ગાઢ મિત્ર અને અમદાવાદના પ્રખ્યાત ઍડવોકેટ શ્રી જાલ ઊનાવાલાને ફોન કરે છે : “એક વાર કસિન્દ્રાની સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલની મુલાકાત લઈ આવો.”
બંને પારસી સજ્જનોના હૃદયમાં આતિશે બહેરામની પવિત્ર જ્યોતિ પ્રકાશી ઉઠે છે. ગુજરાતના પ્રથમ પંક્તિના ક્રિમિનલ બાબતોના મહારથી શ્રી જાલ ઊનાવાલા મિત્રના સૂચનને સ્વીકારીને દિલ-મંદિરમાં જઈ પહોંચે છે. ત્યાં રાઘવને જુએ છે. પીડાની આગ જોઈને કરુણાનું થીજેલું ઘી પીગળે છે. ચાર વર્ષનો રાઘવ એવો સોહામણો લાગ્યો કે ઊનાવાલા સાહેબે એને ઊંચકી લીધો અને જાણે દાદાજી પોતાના પૌત્રને રમાડતાં હોય તેવા વહાલથી એને પૂરા દોઢ કલાક સુધી રમાડતાં રહ્યા.
સારો એવો સમય હોસ્પિટલમાં વિતાવીને ઊનાવાલા સાહેબ વિદાય થયા. જતાં-જતાં હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મનોજભાઈ ભીમાણી અને તમામ ડોક્ટરો પર પ્રશંસાના ફૂલો વરસાવી ગયા.
આસમાનમાં બિરાજમાન ઈશ્વર શતરંજનો બ્રહ્માંડ ચેમ્પિયન ખેલાડી છે. એ ખુદ દેખાતો નથી પણ એની દરેક ચાલ પરિણામલક્ષી હોય છે જે આપણને થોડી વાર પછી દેખાય છે.
ઍડવોકેટ શ્રી ઊનાવાલા ઘરે ગયા પછી ચારેક દિવસ બાદ શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલના સરનામે બાર લાખ રૂપિયાનો ચેક મોકલી આપ્યો. આટલી રકમમાં રાઘવ જેવા ચાર બાળકોનાં ઑપરેશન થઈ શકે.
રાઘવની ’હાર્ટ સર્જરી’ તા. 5-4-’25, શનિવારે રાખવામાં આવી છે. એના માટે બે વસ્તુઓની જરૂર છે. સર્જરી દરમ્યાન લોહીની જરૂર પડશે અને સર્જરીની સફળતા માટે મારી-તમારી પ્રાર્થનાની. રાઘવ અને તેના જેવા બીજા સેંકડો બાળકો માટે શ્રી મનોજભાઈ ભિમાણી તા.13-4-’25ના દિવસે મોટા પાયા પર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી રહ્યા છે.
પ્રાર્થનાઓ તો આપણે જ કરવી પડશે. કરશો ને? જ્યારે આપણો સમય પૂરો થશે અને આપણે ઉપર પહોંચીશું ત્યારે ભગવાન આપણને એક પ્રશ્ન અચૂક પૂછશે : “મેં તને પૃથ્વી પર મોકલ્યો હતો એ માનવતાનું કામ કરવા માટે મોકલ્યો હતો. બોલ, તું શું કરીને આવ્યો છે?”
જવાબ વિચારી રાખવો છે કે આચરી બતાવવો છે?