સોની બજારના વેપારી, યુવાન, આશ્રમના મહંત અને વૃધ્ધાનું મોત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ગઈકાલે હાર્ટ એટેકથી બે લોકોના મૃત્યુ નિપજ્યાં બાદ આજે હાર્ટએટેકથી વધુ ચાર લોકોના મોત નિપજતા પરિવારોમાં અરેરાટી વ્યાપી ગઈ છે મૃતકોમાં સોનીબજારના વેપારી, સામા કાંઠાના યુવાન, ખીરસરા આશ્રમના મહંત અને સરધારના વૃદ્ધાનો સમાવેશ થાય છે. શહેરના કોઠારીયા રોડ શ્રીહરિ દર્શન સોસાયટીમાં રહેતા અને સોની બજારમાં શ્રીહરી જ્વેલર્સ નામે વેપાર કરતાં ચેતનભાઈ પ્રફુલભાઈ રાણપુરા ઉ.42 સુરતના મોટા વરાછામાં જનોઈ પ્રસંગમાં ગયા હતા.
ગત રાત્રીના ગભરામણ થતા બેભાન થઈ ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે સુરત ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ અંહી ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ચેતનભાઇ બે ભાઈમાં મોટા અને તેમને સંતાનમાં બે પુત્રો હોવાનું જાણવા મળ્યું છે હાર્ટએટેકથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવે છે. જ્યારે મેટોડા પાસે ખીરસરા ગામે આદર્શ આશ્રમમાં રહેતા ગુલાબનાથ વસંતનાથ રાઠોડ ઉ.64 નામના મહંત આશ્રમમાં બેભાન થઈ જતા સેવકોએ તત્કાલ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા પરંતુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મહંતનું હૃદયરોગના હુમલાથી મોત થયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત રાજકોટ તાલુકાના સરધાર ગામે રહેતા કાંતાબેન બાબુભાઇ પનારા ઉ.72 નામના વૃધ્ધા ગત સાંજે ઘરે બેભાન થઇ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ જોઇ તપાસી હાર્ટએટેકથી મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી તેમજ સંત કબીર રોડ પર કનકનગરમાં રહેતાં રતિલાલ રામજીભાઇ ચૌહાણ ઉ.44 ઘરે બેભાન થઇ જતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ હાર્ટએટેકથી મૃત્યુ થયાનું જાહેર કરતાં થોરાળા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો બનાવને પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો છે ઇમિટેશનનું કામ કરતાં મૃતક ત્રણ ભાઇ અને એક બહેનમાં નાના અને સંતાનમાં બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટમાં હાર્ટએટેકથી વધુ ચાર જિંદગીઓ છીનવાઇ ગઈ
