ધોરાજીના બે શખ્સ સૂરતમાં જવેલરને નકલી ચેઇન વેચવા ઘટસ્ફોટ
ધાતુ પર સોનાનો ઢોળ ચડાવી વેંચતી ટોળકીને નકલી હોલમાર્ક કરી આપતા હતા
અત્યાર સુધીમાં 6 નકલી સોનાની ચેઈન વેંચ્યાની આરોપીઓની કબૂલાત
રાજ જવેલર્સના માલિકની સતર્કતાએ ટોળકીનો ભાંડો ફોડ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સુરતના કતારગામ સ્થિત રાજ જવેલર્સમાં નકલી સોનાની ચેઈન વેચતા ઝડપાયેલા ધોરાજીના બે યુવાનની પુછપરછના આધારે કતારગામ પોલીસે નકલી ચેઈન બનાવી તેના પર નકલી હોલમાર્ક કરતા ચાર સોનીને ધોરાજી અને જૂનાગઢથી ઝડપી પાડી તેમની પાસેથી હોલમાર્ક મશીન પણ કબજે કર્યું છે. આ ટોળકીએ અત્યાર સુધી છ છ નકલી ચેઈન બનાવ્યાની કબૂલાત કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કતારગામ નારાયણનગર ગ્રીન પાર્ક સોસાયટી દુકાન નં.1 માં રાજ જવેલર્સમાં ગત સોમવારે નકલી સોનાની ચેઈન વેચવા આવેલા ધોરાજીના બે યુવાન અફાન આરિફ જાનુહસન (ઉ.વ.38, રહે.બહારપુરા ખલિફા મસ્જીદિ, ચોકની સામે, ધોરાજી, રાજકોટ) અને પ્રિયંક જગદીશભાઈ ગોધાસરા (ઉ.વ.30, રહે.204, બ્રિજેશ ટાવર, સ્ટેશન રોડ, ધોરાજી, રાજકોટ) ને જવેલર ઘનશ્યામભાઈ જીવરાજભાઈ સોનીને ઝડપીને પોલીસને હવાલે કરતા કતારગામ પોલીસે તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. તેમની પુછપરછના આધારે કતારગામ પોલીસ મથકની ટીમ ધોરાજી અને જૂનાગઢ પહોંચી હતી અને ત્યાંથી નકલી સોનાની ચેઈન બનાવતા બે સોની કિશન શ્યામુભાઈ ધોળકીયા (ઉ.વ.35, રહે કડીયાવાડ, સ્વામીનારાયણ મંદીર પાસે, ધોરાજી, જી.રાજકોટ) અને મોફીઝ અબ્દુલઅલી શેખ (ઉ.વ.34, રહે. બ્લોક નં.5, શુકુન પાર્ક, અજંતા રેસીડેન્સી, બુકર ફળીયા, જૂનાગઢને ઝડપી લીધા હતા.
પોલીસે તે ઉપરાંત નકલી સોનાની ચેઈન સાચી છે તેવું બતાવવા તેના ઉપર હોલમાર્ક કરી આપતા બે સોની કિરણ નિવૃતીભાઈ હસબે (ઉ.વ.45, રહે.બ્લોક નં.103, દિપગંગા એપાર્ટમેન્ટ, નવા નાગરવાડા, શેરીનં.2, જૂનાગઢ) અને આનંદભાઈ મહેશભાઈ વડનગરા (ઉ.વ.41, રહે.ઘર નં. 45/1, શાહીબાગ સોસાયટી, સ્ટ્રીટ 15, ઝાંઝરડા રોડ, જૂનાગઢ) ને પણ ઝડપી પાડી તેમની પાસેથી હોલમાર્ક મારવાનુ માર્કીંગ મશીન અને કોમ્યુટર કબજે કર્યા હતા. આ ટોળકીએ અત્યાર સુધી છ નકલી ચેઇન બનાવ્યાની કબૂલાત કરી છે.તેઓ નકલી હોલમાર્ક માટે રૂ. 700 લેતા હોવાનું જાણવા મળ્યુ છે.