ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.1
અમદાવાદના બોપલ બ્રિજ પાસે વહેલી સવારે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે, જેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. દારૂ ભરેલી ગાડી અન્ય ગાડી સાથે અથડાઈ હતી, જેમાં દારૂ ભરેલી ગાડીમાં બેઠેલા એક વ્યક્તિ અને સામેવાળી ગાડીમાં બેઠેલા બે વ્યક્તિઓનાં મોત થયાં છે. ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ફોર્ચ્યુનરની સ્પીડ 150થી 200ની હતી. જો કે, 200ની સ્પીડ પર કાર ટકરાઈ હોવાનું જાણવા મળ્યું છે. કારનું સ્પીડ મીટર 200 પર બંધ થયેલું દેખાય છે. ઋજક દ્વારા પૂરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. વરસાદના કારણે ટાયર માર્ક નહીં મળી શકે છે. પોલીસ તપાસમાં ઘટના બની ત્યાં આજુબાજુના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા બંધ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં મૃત્યુ પામનારાઓમાં અજિત કાઠી, ઉં.વ: 32, રહેઠાણ: વિરમગામ, મનીષ ભટ્ટ, ઉં.વ: 52, રહેઠાણ: સાબરમતી, મૂળ વિરમગામ અને ઓમપ્રકાશ ઉર્ફે પપ્પુ (ફોર્ચ્યુનરનો ચાલક)નો સમાવેશ થાય છે. જ્યારે રાજુરામ બિશ્ર્નોઈ (ઉં.વ. 24, રહે. સાંચોર, રાજસ્થાન)ને ઈજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.
- Advertisement -
મૂળ વિરમગામના મનીષ ભટ્ટને રિયલ એસ્ટેટનો ધંધો છે, હાલમાં થોડા દિવસથી સાબરમતી ખાતેના તેમના ઘરે રહેતા હતા. વહેલી સવારે કામથી બહાર નીકળ્યા હતા, જ્યાં યુ-ટર્ન લેતી વખતે ઓવરસ્પીડમાં ફોર્ચ્યૂનર ગાડી આવી અને અકસ્માત સર્જાયો હતો. તેઓ થારમાં અજીત કાઠી સાથે હતા. બંનેના મોત થયા છે.
અમદાવાદના ધારાશાસ્ત્રી બ્રિજથી રાજપથ ક્લબ તરફ વળતા રોડ પાસે આજે સવારે પાંચ વાગ્યે બુટલેગરની કારના કારણે ત્રણ લોકોના મોત નીપજ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. બુટલેગરની ફોર્ચ્યુનર કારમાં દારૂ ભર્યો હતો, જે વૈષ્ણોદેવીથી બોપલ તરફ જઈ રહી હતી, ત્યારે રાજપથ ક્લબના વળાંક બાજુ એક થાર કારે યુટર્ન મારતા તે જોરથી ટકરાઈ હતી અને કાર અકસ્માતના સ્થળથી 150 ફૂટ દૂર ફેંકાઈ હતી, જેમાં થારમાં બેઠેલા બે લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ફોર્ચ્યુનર કાર ઢસડાઈને 300 મીટર દૂર સુધી ફેંકાઈ હતી, જેમાં દારૂ ભર્યો હતો. તેમાં પણ બેઠેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
ફોર્ચ્યુંનરમાં અલ્ટોની નંબર પ્લેટ ચીપકાવી!
ફોર્ચ્યુંનર ગાડીની નંબર પ્લેટમાં GJ18 BK 9808 નંબર છે. આ નંબર પ્લેટમાં મારુતિ કંપનીની અલ્ટો ગાડી છે. એક જ નંબરની બે ગાડી હોવી શક્ય નથી, જેથી ફોર્ચ્યુનર ગાડીની નંબર પ્લેટ ખોટી લગાવવામાં આવી છે. ઓન પેપર આ નંબરથી અલ્ટો ગાડીની છે, જેના માલિકનું નામ પણ જયંતિ હોય તેવી શક્યતા છે. પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.