પ્રમુખની રજૂઆત ધ્યાને આવશે એટલે તપાસ કરી ચોક્કસ ધ્યાને લેશું: ચીફ ઓફિસર
સમગ્ર આક્ષેપો પાયા વિહોણા છે તેમ છતાં તમે ચીફ ઑફિસરને પૂછી શકો છો: કારોબારી ચેરમેન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.26
વેરાવળની ભાજપ શાસિત પાલિકા અવાર નવાર ચર્ચામાં જ રહી છે ત્યારે આ ભાજપ શાસિત નગરપાલિકાનો વધુ એક ઉકળતોચરું બહાર આવ્યો છે.જેમાં પાલિકાનાં પૂર્વ પ્રમુખે ચીફ ઓફિસર,જિલ્લા કલેકટર અને પ્રદેશ મંત્રીને લેખિત રજૂઆત કરી છે અને નગરપાલિકા પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે.
વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પિયુષ ફોફંડીએ કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે ગત વર્ષે 1 કરોડની કિંમતના પેચવર્કના કામો મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં કોઈ પણ જાતની ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા વગર 4.25 કરોડના કરી નાખવામાં આવ્યા હતા.આમ તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો.આ ઉપરાંત શહેરમાં ચોતરફ ગંદકીનું પ્રમાણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. ડોર ટુ ડોર કલકેશન પણ કાયમી થતું નથી.આ સિવાય શહેરના મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઈટો પણ બંધ હાલતમાં છે તેથી આ તમામ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.
તો બીજી તરફ ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે આ રજૂઆત અમારા હાથમાં આવશે તો અમે યોગ્ય કાર્યવાહી કરીશું.તો કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન સિકોતરિયા એ ચીફ ઓફિસર ને પૂછી શકો છો તેવું રટણ કરતા જણાવ્યું હતું કે અમે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી કામો આપ્યા છે અને અમારી પાસે તેના પુરાવા પણ છે.
ગત વર્ષે અંદાજે 5 કરોડના ખર્ચે શંખ સર્કલથી ટાવર ચોક સુધીના પેચ વર્કના કામો કરાયા
ગત વર્ષે અંદાજે 5 કરોડના ખર્ચે શંખ સર્કલથી ટાવર ચોક સુધીના પેચ વર્કના કામો કરવામાં આવ્યા હતા.જેમાં લોલામલોલ થયેલ છે.આ સિવાય હાલ શહેરના મુખ્ય માર્ગો પણ ધૂળિયા અને બિસ્માર બન્યા છે.સ્ટ્રીટ લાઈટો પણ નથી ચાલતી અને ડોર ટુ ડોર કલેક્શન પણ વ્યવસ્થિત રીતે થતું નથી. પિયુષ ફોફંડી (પૂર્વ પ્રમુખ)
પૂર્વ પ્રમુખ દ્વારા કરેલી રજૂઆત અમારા ધ્યાને આવશે એટલે અમે ચોક્કસ ધ્યાન આપીશું
પૂર્વ પ્રમુખ દ્વારા કરેલી રજૂઆત અમારા ધ્યાને આવશે એટલે અમે ચોક્કસ ધ્યાન આપીશું.આ સિવાય અમોએ હાલ 1 કરોડના ખર્ચે પેચ વર્કનાં કામો શરૂ કરાવ્યા છે ઉપરાંત ગત તા.21 થી રાત્રિ સફાઈની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે અને લાઇટની ખરીદી પણ કરવામાં આવી છે.જેથી જરૂરી પગલાં લેવામાં આવશે. ચેતન ડુડીયા (ચીફ ઓફિસર)
ભ્રષ્ટાચારનો જે આરોપ લગાવવામાં આવ્યો છે તે તદ્દન પાયાવિહોણો છે
પૂર્વ પ્રમૂખ દ્વારા કરેલ આક્ષેપ અંગે દુ:ખ થાય છે.આ બાબતે તમે ચીફ ઓફિસર સાથે વાત કરી હશે. ભ્રષ્ટાચારનો જે આરોપ લગાવવામાં આવ્યો છે તે તદ્દન પાયાવિહોણો છે.અમારી પાસે ટેન્ડર અને વર્ક ઓર્ડરની કોપી છે.એના માટે ચીફ ઓફિસને પણ પૂછી શકો છે.કચરા બાબતે નગરજનોને પણ અમો અનુરોધ કરીએ છીએ કે તેઓ પણ કચરો ન કરે કારણકે અમારા કર્મચારીઓ સફાઈ કરે છે અને અમુક કલાકોમાં જ સ્થાનિકો કચરો ત્યાં ફેકે છે. ચંદ્રિકાબેન સિકોતરિયા (કારોબારી ચેરમેન)