મા ખોડલના મંદિરેથી પાટીદારોએ કરેલ પીપણા અંગે, ગુજરાતમાં મુખ્યમંત્રીપદના દાવા અંગે,પોતાની લાગણીઓ વ્યક્ત કરતા પૂર્વ સાંસદ લલિતભાઈ મહેતાએ જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ૨૦૨૨ ના ડિસેમ્બર આસપાસ યોજાય તેવી સંભવિત પરિસ્થિતિ ધ્યાનમાં લઈ જ્ઞાતિઓનો, સમુહોનો, જુથોનો સળવળાટ શરૂ થયો છે. પાટીદારોએ મા ખોડલના મંદિરેથી રાજકીય અપેક્ષા રાખી ગુજરાતનો મુખ્યમંત્રી પાટીદાર હોવો જોઈએ એવી જાહેરાત નરેશ પટેલે કરી છે.
ગુજરાતમાં પાટીદારોની વસ્તિ ૧૫ % છે. (તળપદા – ચુંવાળીયા – ઠાકોર સમાજોની વસ્તિ ૨૨ – ૨૩ % છે.) પાટીદારોનો કરવેરા ભરવામાં વધુ હિસ્સો છે તેવી દલીલ પણ થઈ છે. (કોળી ઠાકોર સમુહો કરવેરાનો વધુ ભાર (Incidence of Taxation) વહન કરે છે એ યાદ રાખીએ). સ્વ. કેશુભાઈ પટેલ પછી પાટીદારોને સત્તામાં મહત્વના સ્થાનો મળ્યા નથી એવી દલીલ પણ થઈ છે.શું કેશુભાઈ પટેલ પાટીદાર હતા એટલે ભાજપાએ મુખ્યમંત્રી બનાવ્ય હતા ? ના, કેશુભાઈ ની જનસંધ સ્થાપના કાળથી તપશ્ચર્યા, પ્રજાહિતની યોજનાઓ ઘડવાની ક્ષમતા, જાહેરનાણાંનો ઉપયોગ સામાજીક સમરસતા સ્થાપવા, આર્થિક વિષમતા દૂર કરવા, ગુજરાતને સમૃધ્ધિ તરફ લઈ જવા, પ્રજાના વિવિધ વર્ગો સરકારને પોતાની ગણે તેવી વ્યવસ્થા ગોઠવવાની તૈયા ઉકલત, આગવી સૂઝ અને ભાજપા સંગઠન, સંઘની સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વિચારધારા, એકાત્મ માનવદર્શનનું આર્થિક ચિંતન આવું ઘડતર હતું કેશુભાઈનું, એટલે મુખ્યમંત્રીપદની જવાબદારી સોંપાઈ હતી. લોકશાહી રાજ્યવ્યવસ્થા આસ્તિકતા અને માનવનિષ્ઠા પર અવલંબિત જીવનદૃષ્ટિ છે જે સમાજકલ્યાણ અને પ્રજાહિત કરવાના કાર્યક્રમો ઘડે છે, નીતિઓ બનાવે છે વિચારધારાને પ્રસારીત કરી લોકો સુધી પહોંચાડે છે.
- Advertisement -
નરેશ પટેલ અને એકત્ર થયેલા પાટીદારો આ સૈધ્ધાંતિક મુદ્દો અને વ્યવહારીક અમલ કરવાની પાત્રતા ધરાવતા વ્યકિત તરીકે વિજય રૂપાણી પોતાની યોગ્યતા પૂરપાર કરી શકયા નથી એવું સમજે છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, નીતિઓ અને કાર્યક્રમો હંમેશા જ્ઞાતિવાદથી બચવા, પ્રદેશવાદથી બચવા, સ્વને ભૂલી સર્વ માટે સમર્પિત થવાની તત્પરતા ધરાવતો કાર્યકતા પાર્ટીના સંગઠનમાં કે સત્તામાં જાય એ હોવા સાથે સત્તામાં બેઠેલો મુખ્યમંત્રી કે મંત્રીઓ વહીવટમાં કુશળ, લોભ – લાલચમાં ન ફસાય, પ્રજાકીય પ્રશ્નોને સમજે, યોગ્ય નીતિઘડતર કરી લોકકલ્યાણ સાધી શકે તેવા હોવા જોઈએ. શું વિજય રૂપાણી આ કસોટીમાંથી પસાર થયા નથી?
ચૂંટણીઓ લોકશિક્ષણનું પર્વ છે, મતદારો પોતા કરતાં પક્ષ, પક્ષ કરતાં રાજ્યનું હિત – રાષ્ટ્રનું હિત પ્રથમ ગણે એવા ઉમેદવારોને મત આપે છે જે ધારાસભ્ય તરીકે ચૂંટાય અને આવા બહુમતિ મેળવતા પક્ષના ધારાસભ્યો પોતાનો નેતા – મુખ્યમંત્રી ચૂંટે છે. આ પ્રક્રિયામાંથી પસાર થનાર પાટીદાર આગેવાન જો ભાજપાના હશે તો અવશ્ય મુખ્યમંત્રી બની શકે પરંતુ માત્ર જ્ઞાતિવાદ, વસ્તિમાં બહુલતા કે સરકારી તિજોરીમાં યોગદાન એ મુખ્યમંત્રી પદનો માપદંડ કયારેય બની શકે નહિ.
જો પાટીદાર આગેવાનો ભારતીય જનતા પાર્ટી તરફ નિર્દેશ કરી, મુખ્યમંત્રીપદની દાવેદારી કરતા હોય તો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા નીતિઓ, કાર્યક્રમો, સંગઠનની સર્વોપરિતાની અલગ ઓળખ ધ્યાનમાં લઈ પોતાની લાગણી અને માગણી પાર્ટીના ફોરમમાં જરૂર રજુ કરે.


