જાહેરજીવન દરમિયાન સરકારી ભથ્થા કોઈ દિવસ લીધા ન હતા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
- Advertisement -
જુનાગઢ સૌરાષ્ટ્રની ધરા પરથી આજે શતાયુ ઉમર પાર કરી ચૂકેલા પ્રખર રાષ્ટ્રવાદી મૂલ્યનિષ્ઠ રાજનીતિજ્ઞ, ખેડૂતોના મસિહા પૂર્વ ધારાસભ્ય એવા રત્નાભાઇ મનજીભાઈ ઠુંમરનું 103 વર્ષની ઉંમરે દેહાવસાન થતાં સૌરાષ્ટ્ર પ્રદેશે એક સનિષ્ઠ સત્યવાદી રાજનેતાની છત્રછાયા ગુમાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સોરઠ પ્રદેશમાં વસવાટ કરતા મૂલ્ય નિષ્ઠ રાજનીતિજ્ઞોમાં સૂર્યકાંતભાઈ આચાર્ય કે જેઓ વનવાસી ક્ષેત્રમાં વન બંધોના કલ્યાણ અર્થે જીવન પર્યંત પોતાની જિંદગી ખર્ચી હતી અને સોરઠમાં ખેડૂતો પર અગાઉની સરકારોએ લાદેલી લેવી પ્રથા એટલે કે લેવીકરને નાબૂદ કરવા માટે જેમણે લોકલડત ને અંજામ આપ્યો હતો એવા પ્રખર સત્યનિષ્ઠ રત્નાભાઇ ઠુંમર પ્રધાનમંત્રીના અંગત વર્તુળ પૈકીના આત્માઓ રહ્યા છે. જયારે રત્નાબાપાએ 103 વર્ષની ઉંમરે પોતાના વિશાળ પરિવારને વિલાપ કરતો મૂકીને વૈકુઠ તરફ પ્રયાણ કર્યું છે ત્યારે સૌરાષ્ટ્ર પ્રદેશે એક મૂલ્યનિષ્ઠ નેતૃત્વની ખોટ પડી છે.
રાજકીય કારકિર્દી દરમિયાન રત્નાભાઇ ઠુમરે સરકારની તિજોરીમાંથી ક્યારેય એક પણ પૈસાનો ભથ્થાનો સ્વીકાર કર્યો નથી, ધારાસભ્ય પદે પોતાના કાર્યકાળ દરમિયાન તેઓએ સામાન્ય એસટી બસમાંજ ગાંધીનગર ખાતે જવા આવવાની નેમ રાખી હતી. રત્નાભાઈએ લાલ બહાદુર શાસ્ત્રીના અઠવાડિયે એક ટંક અને અન્ન ત્યાગની વિભાવનાને જીવન પર્યંત સ્વીકારીને પોતાના પરિવાર સાથે દર સોમવારે એક ટંક ભોજન નહીં સ્વીકારવાની પ્રથા કાયમી અમલ બનાવી રાખી હતી. આ જ રીતે રત્નાભાઇએ પોતાના માતૃશ્રી જીવી બાના સ્મરણ અર્થે પોતાની પાસે એક અલગ આવકનો સોર્સ જાળવાઈ રહે તે માટે જમીન રાખી તેમાંથી ઉત્પાદિત ખેત ઉત્પાદનમાંથી થતી આવક ગામની વિધવા ત્યકતા બહેનોના કલ્યાણ અર્થે, ગરીબ બાળકોના શિક્ષણ અર્થે, ગામની ગૌશાળા ના દાન માટે, અને જરૂરીયાત મંદ પરિવારોને અન્ન વિતરણ થઈ શકે તે દિશામાં સત્કાર્ય કરતા રહ્યા છે.
ત્યારે તેઓએ પ્રધાનમંત્રીશ્રી ની હાકલને સાંભળીને કોરોના કાળે પ્રધાનમંત્રી શ્રી ના ફંડમાં એકાવન હજાર રૂપિયાની નિધિ અર્પણ કરી હતી. ભગવાન શ્રીરામના નીજ મંદિર ના નિર્માણ છે 25000 રૂપિયાનું અનુદાન જોડયુ હતું.તો સૈનિક વેફર કલ્યાણ ફંડમાં બીપીન રાવતના સ્મરણાર્થે પોતે 51000ની નિધિ લખાવીને સત્કાર્યમાં પોતાનો હિસ્સો જોડયો હતો. આમ રત્નાભાઇ ઠુંમર આજે આપણી વચ્ચે રહ્યા નથી ત્યારે તેમના ચીરકાલીન કાર્યો આ સમાજને નવો રાહ ચિંધતા રહેશે અને તેમના પથ પર ચાલવા આજના યુવાનોને નવી પ્રેરણા મળતી રહેશે.