ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રૂપાણીનું કોર કમિટીમાં સ્થાન
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નવી ભૂમિકા આપી છે. જે.પી. નડ્ડાએ વિજય રૂપાણીની પંજાબ અને ચંદીગઢ રાજ્યમાં સહ પ્રભારી તરીકે નિયુક્તી કરી છે. ગુજરાતમાં ભાજપને ગમે તે ભોગે આગામી વિધાનસભા ચૂંટણીમાં 150+ બેઠકો અંકે કરવી જ છે. આ માટેની આગવી રણનીતિના ભાગરૂપે સી.આર. પાટીલ ઉપરાંત મોવડીમંડળે પણ કમાન સંભાળી લીધી છે. પર્ફોર્મન્સના આધારે નિર્ણયો લેવાના શરૂ પણ થઈ ગયા છે. તાજેતરમાં જ બે મંત્રીએ ઘરે બેસવાનો વારો આવ્યો. બીજી તરફ, એક વર્ષથી વનવાસ ભોગવી રહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સીધા કોર કમિટીમાં સામેલ કરાયા છે. સંગઠનમાં મજબૂત પકડ ધાવતા રૂપાણી ફરી સૌરાષ્ટ્રની કમાન સંભાળશે. આવામાં પોતાના રાજકીય ગુરુ વજુભાઈ વાળાના માર્ગદર્શનમાં રૂપાણી અને આર.સી. ફળદુ ફરી સૌરાષ્ટ્ર ખૂંદશે અને ટિકિટનું ગણિત બેસાડશે.
- Advertisement -
ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચના વખતે ઘણા જૂના મંત્રીઓ નારાજ થયા હતા. કેટલાક સિનિયર મંત્રીઓ, જેમનું અલગ-અલગ જ્ઞાતિઓ પર પણ પ્રભુત્વ હતું, તેમણે નારાજગી વ્યક્ત પણ કરી હતી. આ સંજોગોમાં અલગ-અલગ નેતાઓને બદલે ભાજપના હાઇકમાન્ડે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ કામ સોંપી દીધું હતું. રૂપાણીએ પણ નારાજ મંત્રીઓની રજૂઆતો શાંતિથી સાંભળી તેમનો રોષ ઠારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.