તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરાશે: ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લા પંચાયતના સ્થળાંતર અને રિનોવેશનમાં થયેલા ખર્ચને લઈને વિપક્ષે ગંભીર આક્ષેપો કર્યા છે. નવા ભવનનું નિર્માણ કાર્ય ચાલુ હોવાથી જૂની કોર્ટ બિલ્ડિંગમાં કામચલાઉ કચેરી ખસેડવામાં આવી છે, જેના માટે પંચાયત દ્વારા 70 લાખ રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો છે પરંતુ, વિપક્ષ નેતા મનસુખ સાકરીયાએ આ ખર્ચને સીધો ભ્રષ્ટાચાર ગણાવી શાસકો પર જનતાના પૈસાનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો. જેને લઈને જિલ્લા પંચાયતના ડી.ડી.ઓ. અનંદુ સુરેશ ગોવિંદે કહ્યું હતું કે, આ સમગ્ર મામલે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જેનો રિપોર્ટ આવતા આશરે 15 દિવસનો સમય લાગશે ત્યારબાદ જ નિર્ણય લેવાશે. રાજકોટ જિલ્લા પંચાયતના સ્થળાંતરના ખર્ચને લઈને ઉઠેલા વિવાદ પર કારોબારી ચેરમેન પી. જી. ક્યાડાએ સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે, સ્થળાંતરનો કુલ ખર્ચ 84 લાખ થયો છે. જેમાંથી 22 લાખનું પેમેન્ટ ચૂકવી દેવાયું છે અને બાકીના 66 લાખનું પેમેન્ટ હજુ બાકી છે. તેમણે કહ્યું કે, વિપક્ષ દ્વારા જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે તેની તપાસ કરવામાં આવશે અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય અને રિપોર્ટ ન આવે ત્યાં સુધી બાકીનું પેમેન્ટ અટકાવી દેવામાં આવ્યું છે. જોકે, પોતાના સહિતના પદાધિકારીઓ દ્વારા આ મામલે થોડી કચાશ રહી હોવાનો તેમણે સ્વીકાર કર્યો હતો. તેમજ આગામી દિવસોમાં તટસ્થ તપાસ કરવાની ખાતરી પણ આપી હતી.
- Advertisement -
જિ.પં.કચેરીમાં ફાયર સેફટીના સાધનો એક્સપાયર હોવાનું સામે આવ્યું
રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ફરી વિવાદમાં આવી છે. તાજેતરમાં કચેરી ટ્રાન્સફરમાં લાખોનું કૌભાંડ થયાનો આરોપ વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યો હતો. જે અંગે તપાસ કમિટી રચવામાં આવી છે. ત્યારે હવે કચેરીમાં ફાયર સેફટીના સાધનો એક્સપાયર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. એટલે કે જિલ્લા પંચાયતમાં આગની ઘટના બને તો કર્મચારીઓ અને અધિકારીઓની જીંદગી પણ રામભરોસે હોય તેવો માહોલ છે. ફાયર સેફટીના અનેક સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. તો 1-2 વર્ષ જુના એક્સપાયર થયેલા એક્સટિંગ્વિશર હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે. જેને લઈને ડીડીઓ અને જિલ્લા પંચાયત પ્રમુખની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.



