જાગૃત નાગરિકની રજૂઆત બાદ હરકતમાં આવી ટ્રાફિક પોલીસ: નંબર પ્લેટ વિના અને અપુરતા દસ્તાવેજો ધરાવતા મ.ન.પા.ના વાહનોને એમ.વી.એક્ટ કલમ 207 હેઠળ કર્યા ડિટેઇન
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર મહાનગરપાલિકાના પાંચ વાહનો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા ઝડપાઈ જતા શહેરમાં ચર્ચા ફાટી નીકળી છે. જાગૃત નાગરિક તથા આરટીઆઇ એક્ટિવિસ્ટ રમેશભાઈ માલદેભાઈ ઓડેદરાની રજૂઆત બાદ પોલીસ હરકતમાં આવી અને કાર્યવાહી હાથ ધરી હતી. રમેશભાઈ ઓડેદરાએ પોલીસને રજૂઆત કરી હતી કે પોરબંદર મહાનગરપાલિકાના ઘણા વાહનો નિયમ વિરુદ્ધ દોડે છે, કેટલાક વાહનો નંબર પ્લેટ વિના છે અને ઘણા વાહનોમાં જરૂરી દસ્તાવેજો પણ નથી. આ રજૂઆત બાદ ટ્રાફિક શાખા હરકતમાં આવી હતી.
- Advertisement -
પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે નિયમિત કાર્યવાહી કરવા માટે ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એલ. આહિરને સૂચના આપવામાં આવી હતી. પી.આઈ આહિર અને પી.એસ.આઈ. કે.બી. ચૌહાણે શહેરમાં ચેકિંગ હાથ ધરીને તપાસ દરમ્યાન મહાનગરપાલિકાના બે ડમ્પર, એક ટેન્કર અને બે છોટા હાથી પ્રકારના વાહનો અપુરતા દસ્તાવેજો અને નંબર પ્લેટ વિના ફરતા ઝડપ્યા હતા. ટ્રાફિક નિયમોનો ભંગ કરતા અને જરૂરી દસ્તાવેજો વગર ચાલતા આ પાંચેય વાહનોને મોટર વ્હિકલ એક્ટની કલમ 207 મુજબ ડિટેઇન કરીને ટ્રાફિક શાખા, પોરબંદર ખાતે રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત એક ટ્રેકટર પી.યુ.સી. વિના ચાલતું મળી આવતા તેના ડ્રાઈવર સામે સ્થળ દંડ તરીકે રૂ. 500નું ચલણ પણ કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી બાદ શહેરમાં નાગરિકોમાં ચર્ચા શરૂ થઈ છે કે જ્યારે સામાન્ય નાગરિકો સામે કડક કાર્યવાહી થાય છે ત્યારે મહાનગરપાલિકા જેવા શાસકીય સંસ્થાના વાહનો પણ નિયમોના ભંગ બદલ છૂટ ન મળવી જોઈએ.



