ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.13
મોરબી તાલુકાના કેરાળી ગામમાં ઐતિહાસિક પરિવર્તન જોવા મળ્યું છે. પહેલીવાર ગ્રામ પંચાયતમાં સરપંચથી માંડીને તમામ સભ્યો મહિલાઓ બની છે. જ્યોત્સનાબેન વનરાજભાઈ મારુ સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયા છે.
પંચાયતના અન્ય સભ્યોમાં ગૌરીબેન રણજીતભાઈ બાલાસરા, જયશ્રીબા ગીરીરાજસિંહ જાડેજા, મધુબેન કરસનભાઈ હુંબલ, દક્ષાબેન કિરણભાઈ ડાંગર, રમાબેન જયેશભાઈ ચાવડા, ગીતાબેન દીપકભાઈ ચાવડા અને લક્ષ્મીબેન પ્રેમજીભાઈ ચાવડાનો સમાવેશ થાય છે. આ તમામ સભ્યો પણ બિનહરીફ ચૂંટાયા છે. ગામના આગેવાન અમુભાઈ રાણાભાઈ હુંબલના જણાવ્યા અનુસાર, આ નિર્ણય પાછળ બે મુખ્ય કારણો છે. પ્રથમ, ગામમાં એકતા જળવાઈ રહે અને ચૂંટણી ટાળી શકાય. બીજું, સરકાર તરફથી મહિલા નેતૃત્વ ધરાવતી પંચાયતોને વિશેષ લાભ મળે છે.
- Advertisement -
કેરાળી ગામની આ પહેલ સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બની છે. સમરસ ગ્રામ પંચાયત બનવાથી ગામને સરકારી યોજનાઓનો વધુ લાભ મળશે. સાથે જ મહિલા નેતૃત્વથી ગામના વિકાસને નવી દિશા મળશે.