રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા વાંચનપરબમાં ‘સત્યભામા’ની મનનીય વાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સ્ક્રીન એડીકશન ઘટાડીને વાંચન દ્વારા કંઇક સારું મેળવી માનવ જીવનને બહેતર બનાવવાના હેતુથી કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા વાંચન પરબનાં 87મા મણકામાં લેખક-નાટ્યકાર-સંવાદ લેખક-કોલમિસ્ટ-નેશનલ એવોર્ડ વિજેતા રામ મોરી દ્વારા લિખિત ‘સત્યભામા’ની મનનીય વાત સ્વયં લેખકે જ બેંકની રાજકોટ ખાતેની હેડ ઓફિસ ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’માં રજુ કરી હતી. નવી જ લખાયેલી નવલકથા ‘સત્યભામા-કૃષ્ણ સૌભાગ્યશાળી કે હું મળી’નું હજુ વિધિવત વિમોચન પણ બાકી છે તેવા સમયે લેખકે ખૂબ જ સરસ અને બારીકી અને રસપ્રદ રીતે વાત રજુ કરી.રામ મોરીએ રજુ કરેલ વક્તવ્યની એક ઝલક, ‘કૃષ્ણના જીવનમાં રુકમણી, રાધા, મીરાં જેટલું જ મહત્ત્વ સત્યભામાનું છે.
- Advertisement -
સત્યભામા વ્યક્તિ નથી, એક ભાવ છે. કૃષ્ણની 16,107 રાણી એમ કહે છે કે અમે સૌભાગ્યશાળી કે કૃષ્ણ મળ્યા. પરંતુ કૃષ્ણની પટરાણી સત્યભામા કહે છે કે કૃષ્ણ સૌભાગ્યશાળી કે હું મળી. સત્યભામા કૃષ્ણને કહે છે કે તમે દરિયાનું તળિયું માપીને દ્વારિકા ઉભી કરી પરંતુ નારીનું મનનું તળિયું તમે માપી ન શક્યા. અહીં કૃષ્ણને પામવાની સત્યભામાની પોતીકી યાત્રા છે. ભારતીય સાહિત્યમાં પહેલીવાર કૃષ્ણની પત્ની સત્યભામાના દૃષ્ટિકોણથી કૃષ્ણકથા કહેવાઇ રહી છે. સત્યભામા આજીવન એવા ભ્રમમાં રાજી રહી કે કૃષ્ણ સૌથી વધારે પ્રેમ માત્ર અને માત્ર તેને જ કરે છે. સૌથી સુંદર વાત કે એનો આ ભ્રમ કૃષ્ણએ ક્યારેય તોડયો નથી. હું સત્યભામા છું. હું ટોળાનું કારણ હોઇ શકું પણ ટોળું નહિ.’ આ વાંચનપરબમાં દિનેશ પાઠક (ચેરમેન), જીવણભાઇ પટેલ (વાઇસ ચેરમેન), શૈલેષભાઇ મકવાણા (કો-ઓપ્ટ ડિરેકટર), વિવિધ શાખા વિકાસ સમિતિનાં ક્ધવીનર, સહ-ક્ધવીનર, સદસ્યો, ડેલિગેટ, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે જીવણભાઇ પટેલ, આ અવસર પર વિશેષ રૂપે ઉપસ્થિત મૂર્ધન્ય સાહિત્યકાર દિનકર જોશી, ગોપાલભાઇ માકડીયા અને અલ્પેશભાઇ વ્યાસે રામ મોરીને સ્મૃતિ ભેટ-ખાદીનો રૂમાલ આપી સન્માન ર્ક્યું હતું. કાર્યક્રમનું સરળ-સફળ અને રસપ્રદ સંચાલન ધનંજય દત્તાણીએ ર્ક્યું હતું.