અનાજ સંગ્રહ ક્ષમતા વધારી 700 લાખ ટન કરવાની સરકારની યોજના
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રીય કેબિનેટે અનાજનો બગાડ અટકાવવા માટે સહકારી ક્ષેત્રમાં વિશ્વના સૌથી મોટા અનાજ ભંડારની રચના કરવા માટે એક લાખ કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી છે. સરકાર સહકારી ક્ષેત્રમાં આગામી પાંચ વર્ષમાં અનાજ ભંડારમાં અનાજના સંગ્રહની ક્ષમતા વધારી 700 લાખ ટન કરવા માગે છે. આ યોજનાને કારણે ગ્રામીણ ભારતમાં રોજગારીનું સર્જન થશે.કેન્દ્રીય સહકાર પ્રધાન અમિત શાહે કેન્દ્રીય મંત્રીમંડળના આ નિર્ણયની માહિતી આપી હતી.
- Advertisement -
તેમણે વધુમાં જણાવ્યું હતું કે બિનઅસરકારક અને અપૂરતા અનાજ ભંડારને કારણે અનાજનો બગાડ થતો હતો અને ખેડૂતોને પોતાનો પાક ઓછા ભાવે વેચવાની ફરજ પડતી હતી. શાહે વધુમાં જણાવ્યું હતું કે કેબિનેટના આ નિર્ણયથી ખેડૂતોને તેમના બ્લોકમાં જ આધુનિક અનાજ ભંડારની સુવિધા મળશે. તેમને આ સુવિધા પ્રાયમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી દ્વારા તેમના બ્લોકમાં જ ફાળવવામાં આવશે.
કેબિનેટના આ નિર્ણયની માહિતી આપતા માહિતી તથા પ્રસારણ પ્રધાન અનુરાગ સિંહ ઠાકુરે જણાવ્યું હતીં કે કેબિનેટે સહકારી ક્ષેત્રમાં વિશ્વના સૌથી મોટા અનાજ ભંડારનું નિર્માણ કરવાની યોજનાને મંજૂરી આપી છે.