તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ નોંધાવ્યો પોલીસમાં ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
- Advertisement -
રાજકોટ તાલુકાના પીપળિયામાં છ વર્ષથી ચાલતી ગેરકાયદે ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મામલે અંતે કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે પર્દાફાશ થયાના 25 દિવસ બાદ સંચાલિકા સામે ગુનો નોંધવામાં આવ્યો છે સ્કૂલ સંચાલક ત્રણ દુકાનમાં એલકેજીથી ધોરણ 10 સુધીની સ્કૂલ ચલાવતા હતા અને વિધ્યાર્થીઓને પોતાની સ્કૂલના નહીં પરંતુ અન્ય આઠ સ્કૂલની માર્કશીટ અને એલસી આપતા હતા. ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિમલભાઇ રમેશભાઇ ઉધાસે ઉ.47એ પીપળિયામાં આવેલી ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની સંચાલિકા કાત્યાની તિવારીન સામે કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તારીખ 4 જુલાઇના રૂકસાનાબેન નામના મહિલાએ અરજી આપી હતી અને તેમાં જણાવ્યું હતું કે, તેમના બાળકો ગૌરી પ્રિ-પ્રાઇમરી સ્કૂલમાં અભ્યાસ કરતા હતા,
પરંતુ જ્યારે તેમને બીજી શાળામાં બેસાડવા માટે લિવિંગ સર્ટિફિકેટ લેવા ગયા ત્યારે સ્કૂલ સંચાલકે લિવિંગ સર્ટિફિકેટ આપવાની ના કહી દીધી હતી. જેથી આ સ્કૂલ નકલી હોવાનું લાગતા શિક્ષણાધિકારીની સૂચનાથી ટીમ દોડી ગઇ હતી અને તપાસ કરતાં વર્ષ 2018થી આ સ્કૂલ ગેરકાયદે ચાલતી હતી તપાસ દરમિયાન નક્ષત્ર સ્કૂલ, રામકૃષ્ણ પ્રાથમિક શાળા, અક્ષર સ્કૂલ, શારદા દેવી ફાઉન્ડેશન ટ્રસ્ટ સહિત આઠ સ્કૂલના સર્ટિફિકેટ-માર્કશીટ સહિતના દસ્તાવેજનો મળી આવ્યા હતા. ધોરણ 10ના ગૌરી સ્કૂલના વિદ્યાર્થીઓએ એમ.બી.પટેલ વિદ્યાલય, રામદેવ વિદ્યાલય-પી.બી.પટેલ સ્કૂલ તથા નવોદિત વિદ્યાલયના વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી હોવાના પુરાવા મળ્યા હતા. પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાત સહિતની કલમ હેઠળ ગુનો નોંધી નકલી સ્કૂલની સંચાલિકા કાત્યાની તિવારીની ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે.