કોરોના કાળમાં નોકરી છુટી: ઝોમેટોમાં ડિલીવરીની જોબ શરૂ કરી: ભવિષ્યમાં ડાન્સ ક્લાસ શરૂ કરવાનું સ્વપ્ન
થોડાંક અપવાદોને બાદ કરતાં ભારત હંમેશા મહિલાઓની સામાજિક સુરક્ષા, આત્મનિર્ભરતા, તેમના શૈક્ષણિક, આર્થિક અને રાજકિય સશક્તિકરણ પ્રત્યે હંમેશા સંવેદનશીલ રહ્યું છે ત્યારે આનું જીવતુ-જાગતું ઉદાહરણ છે ભારતમાં ટોપ સ્થાન પર અગ્ર રહેલી અનેક મહિલાઓ કે જેઓ ક્યાંક ને ક્યાંક જુદા-જુદા ક્ષેત્રોમાં માહિર છે અને જાતે પગભર રહીને પોતાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરી રહી છે.
કહેવાય છે કે કોઈ કામ નાનું કે મોટું નથી હોતું, આજે દરેક ક્ષેત્રે સ્ત્રીઓ પોતાનું સ્થાન જમાવીને બેઠી છે ત્યારે સ્ત્રીઓ સાયકલથી લઈને ફ્લાઈટ ઉડાવતી થઈ છે. પુરૂષના ખભા-ખભે ઉભા રહીને સ્ત્રી આજે વ્યવસાય, નોકરી કરતી થઈ છે ત્યારે ખાસ કરીને રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ અનેક એવી મહિલાઓ છે કે જે રીક્ષાઓ ચલાવે છે, ચાની લારી ચલાવે છે. તો સ્વીગી-ઝોમેટોમાં ડિલીવરી આપે છે. આપણે જોયું હશે કે સ્વીગી-ઝોમેટોમાં મોટાભાગે પુરૂષો જ ફૂડની ડિલીવરી આપે છે ત્યારે હવે દરેક શહેરો ને રાજકોટમાં પણ સ્વીગી-ઝોમેટોમાં ઘરે-ઘરે ફૂડની ડિલીવરી મહિલાઓ આપતી થઈ છે અને પોતાનું ગુજરાન ચલાવે છે.
- Advertisement -
છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારીના કારણે હજારો યુવક-યુવતીઓએ પોતાની નોકરીમાંથી હાથ ધોવા પડ્યા છે. કોઈનાં ધંધામાં ખોટ આવી છે તો કોઈને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે. આમ આવા સમયે અનેકને સતાવતો પ્રશ્ર્ન કે આ મોંઘવારીમાં ઘરનું પૂરૂં કેમ કરવું? ખાસ કરીને મહિલાઓને આ પ્રશ્ર્ન વધુ સતાવી રહ્યો હતો ત્યારે અહીં આપણે વાત કરીએ રાજકોટની રિન્ની રૂપારેલ- કે જેની સફર રહી છે કોરિયોગ્રાફરથી ડિલીવરીગર્લ સુધીની. કોરોના મહામારી દરમિયાન એટલે કે છેલ્લાં 8 મહિના પહેલાં સ્કૂલમાં ડાન્સ ટીચર તરીકે જોબ કરતી રિન્નીને કોરોના મહામારી આવતા સ્કૂલમાંથી છૂટી કરવામાં આવી હતી, ત્યાર બાદ તેને પોતાનું ગુજરાન ચલાવવા અને કોઈ પણ ધંધા નાનો કે મોટો નથી તેવી વિચારસરણી અપનાવતી રિન્નીએ અંતે ઝોમેટોમાં ‘ડિલીવરીગર્લ’ તરીકેનું કામ કરવાનું પસંદ કર્યું. આજે તે દિવસના ઓછામાં ઓછા 10થી 15 ઓર્ડર લઈને મહિને 20થી 25000 આરામથી કમાઈ લે છે. રિન્નીએ 12 સુધી અભ્યાસ કરેલ છે છતાં આજે મહેનત કરીને મહિનાના 20થી 25000 આરામથી કમાય છે. હાલમાં રિન્ની પોતાનો ડાન્સ ક્લાસ ખોલવા ઈચ્છે છે જેના માટે તે મહેનત કરે છે અને આવનારા દિવસોમાં તેનું આ સ્વપ્ન પણ પૂરૂં કરશે તેવી તેણે ઈચ્છા વ્યક્ત કરી છે.
કોઈ પણ કામ નાનું કે મોટું નથી: મહેનતથી મહત્ત્વનું કાંઈ જ નથી: રિન્ની રૂપારેલ
રિન્ની રૂપારેલે સમાજની દરેક સ્ત્રીને એક સંદેશો આપતાં જણાવ્યું હતું કે કોઈ પણ કામ મોટું કે નાનું નથી હોતું. મહેનતથી કામ કરવા કરતાં મહત્ત્વનું બીજું કાંઈ નથી. રિન્નીએ વધુમાં કહ્યું કે આ જોબ શરૂ કરી ત્યારથી આજદિન સુધી મને ગ્રાહકો પ્રત્યેથી સારો સહયોગ મળ્યો છે. લોકો મને માનની નજરે જૂએ છે. ઝોમેટોમાં ડિલીવરી ગર્લનું કામ છેલ્લાં પાંચ મહિનાથી શરૂ કર્યું છે પરંતુ આજ દિન સુધી કોઈ ખરાબ અનુભવો થયા નથી ઉલ્ટાનું લોકોનો સહયોગ મળે છે.