કાર્તિક મહેતા
થોડા સમય પહેલા જર્મનીના એક નાના ટાઉનના લોકોએ ત્યાંના કબૂતરોની સામુહિક કતલ કરવાનો ઠરાવ કર્યો. કેમકે આ કબુતરો એમના સ્વાસ્થ્યને જોખમરૂપ હતા. ઘણા નિષ્ણાતો કબુતરોને “ફલાયિંગ રેટ” પણ કહે છે એ હદે કબૂતરોની હગાર અને એના પીંછા જોખમી હોય છે. ભારતમાં કબુતરોને કારણે થતા ફેફસા અને ઈમ્યુનીટીના રોગોના કેસીસ સતત વધતા જાય છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશને કબુતરોને ચણ નાખવા વાળા ઉપર પ્રતિબંધ મૂકીને એવું કરનારને દંડની પણ જોગવાઈ કરી છે. કબૂતરોની હગાર પિંન્છા અને એના ઉડવાથી જે ધૂળ ઉડે તે એલર્જન કહેવાય છે એટલે કે તેઓ એલર્જી પેદા કરે છે. ઘણા કેસીસમાં લોકો આ સમસ્યાથી કંટાળીને ડોક્ટર પાસે જાય ત્યાં સુધી મોડું થઇ ગયું હોય છે અને વ્યક્તિ હમેશા માટે આ ખરાબ ફેફસા સાથે ખુબ પીડાજનક જીવન જીવવા વિવશ થઇ જાય છે. ભારતના શહેરો ધીમે ધીમે ગોખલા ક્લચર અપનાવી રહયા છે જેમાં દરેક કુટુંબ કે વ્યક્તિ પોતાના ગોખલામાં રહે, કામ કરવા માટે એક બીજા ગોખલામાં જાય વળી સાંજે કે રાત્રે પરત પોતાના ગોખલામાં જતો રહે. આવી જીવનશૈલી ખરેખર કબૂતરની છે.. કબૂતર સિવાય ભાગ્યે જ કોઈ પક્ષી ગોખલા નિવાસ પસંદ કરે છે.
- Advertisement -
કુવા અને વાવના ગોખલાઓમાં કબુતરો અચૂક જોવા મળે છે. કબૂતર એક ગંદુ ગોબરું પક્ષી છે જે જ્યા રહે ત્યાં જ હગાર કરે અને વળી એવી જ જગ્યાએ ઈંડા પણ મૂકે અને બચ્ચા પણ સેવે. આજે ભારતના શહેરોના આધુનિક સ્થાપત્યો / બિલ્ડીંગોને સાફ કરવાની સતત પરવા કરવી પડે છે કેમકે લગભગ દરેક બિલ્ડીંગ કે સ્થાપત્ય કબૂતરોની હગાર (ચરક)થી ખરડાયેલું છે. છેલ્લા કેટલાક સમયથી લોકોમાં કબુતરોને ચણ નાખવાનો ઉત્સાહ અતિશય વધ્યો છે. કબુતરોને ચણ નાખીને તાત્કાલિક પુણ્ય કમાઈ લેવાની વૃત્તિ પણ આજના ફાસ્ટ યુગમાં ફિટ બેસે છે કે બસ એકાદ બે મુઠ્ઠી કે કોથળી જુવાર / જાર લઈને ક્યાંક ખુલા મેદાનમાં વેરી દેવાની એટલે પુણ્ય જમા. આવું ઇન્સ્ટન્ટ પુણ્ય મળતું હોય તો લોકોને બીજું શું જોઈએ. આ ઇન્સ્ટન્ટ પુણ્ય વાળાની લાગણી સાચી હોય છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં દુકાને દુકાને લાગેલા સ્ટીકરમાં એવું લખવામાં આવતું કે “કબુતરોને ચણ નાખવાથી ફલાણું ઢીંકણું થાય છે”. ગુજરાત સૌરાષ્ટ્રમાં વળી જીવદયાની લાગણી પણ ઘણી ઊંચી એટલે આ ચણ નાખવાનો વાયરો ખુબ ફેલાયો છે.પરંતુ થાય છે એવું કે ચણ ખાવા આવતા પક્ષીઓમાં સહુથી વધૂ પ્રમાણ કબૂતરોનું હોય છે.
કબુતરો ઝુંડમાં ચણ ભક્ષણ કરે છે. એટલે તમે જોશો કે કબુતરો જ્યાં ચણતા હોય ત્યાં ધીમે ધીમે બીજા પક્ષીઓનું આવવાનું બંધ થઇ જાય છે. કબૂતરોની પાંખ અને એની હગારમાં અનેક સૂક્ષ્મ જીવો રહેલા હોય છે જે ખુબ હાનિકારક હોય છે. ભારતમાં દર વર્ષે “બર્ડ બ્રીડર લંગ ડિસીઝ” નામનો જીવલેણ રોગ વધતો જાય છે. કબૂતરોની હગાર અને એના પીંછાંથી ઝુનોસીસ પ્રકારના અનેક રોગો થવાની શક્યતા હોય છે આવું નિષ્ણાતો વર્ષોથી કહેતા આવ્યા છે અને આવા રોગોમાં પંદરથી વિસ ગણો વધારો થયો છે એવું આંકડાઓ પણ કહે છે. એક કબૂતર વર્ષે સરેરાશ 12 થી 15 કિલો જેટલી હગાર પેદા કરે છે. આ હગાર તેઓ મન ફાવે ત્યાં કરતા હોવાથી સ્થાપત્યો અને મકાનો સહીત મોટી મૂર્તિઓ બધું જ હગાર વડે ખરડી નાખે છે. જેને ધોવાનો ખર્ચ પણ ઘણો આવે છે. કબુતરો જ્યા વસે ત્યાંથી બીજા પંખીઓ ધીમે ધીમે દેખાતા બંધ થઇ જાય છે. એન્ડ્રુ બ્લેકમાન નામના વિજ્ઞાનીએ કબૂતરોના ઇતિહાસ ઉપર પુસ્તક લખેલું છે તે કહે છે કે કબુતરો ખરેખર સમસ્યા નથી પણ સમસયા માણસો છે જે કબુતરોને બેઠા બેઠા ખાવાનું આપીને એમના નેચરલ જીવનચક્રમાં ખલેલ ઉભી કરે છે. છેલ્લા 25 વર્ષોમાં કબૂતરોની સંખ્યા ભારતમાં બમણી થઈ ગઈ છે. કબૂતરોની આ વધતી સમસ્યાને રોકવાનો એક જ ઉપાય છે જે છે એને ચણ નાખવાનું બંધ કરીને એને એમની પ્રાકૃતિક જિંદગી જીવવા દેવી. જે એક સારી પહેલ છે.કબૂતર વળી જંગલનું પક્ષી નથી એટલે એને જંગલ તરફ મોકલવું પણ અશક્ય છે. આથી એને ખાવાનું આપવાનું બંધ કરી દેવું તે એક જ વિકલ્પ છે.