સોમનાથ ટ્રસ્ટ, સુરક્ષા કર્મીઓ અને શ્રદ્ધાળુઓ ‘જય સોમનાથ, ભારત માતાકી જય ના નાદ’ સાથે ઉજવણીમાં જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ સોમનાથ, તા.16
- Advertisement -
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર આજે 78માં સ્વતંત્રતા પર્વ પર ધર્મભક્તિ અને રાષ્ટ્રભક્તિનું સંગમ સ્થાન બન્યું હતું. સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિરને કેસરી, સફેદ, અને લીલી રોશનીથી ત્રીરંગો રચાય તે રીતે સુશોભિત કરવામાં આવ્યું હતું. સોમનાથ જ્યોતિર્લિંગને કેસરી સફેદ અને લીલા વસ્ત્રોથી આભૂષિત કરી ત્રિરંગા દર્શન સર્જવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં પ્રવેશની સાથે જ શ્રદ્ધાળુઓને શિવભક્તિની સાથે રાષ્ટ્રભક્તિનું રસપાન સોમનાથ તીર્થનું વાતાવરણ કરાવી રહ્યું હતું. સોમનાથ જ્યોતિર્લિંગ ના દર્શન કરીને ભક્તોએ સાચા અર્થમાં ધર્મભક્તિ અને રાષ્ટ્રભક્તિને એક થતી જોઈ હતી.
સોમનાથ ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી જે.ડી પરમારના હસ્તે ભારતીય રાષ્ટ્રધ્વજને ધ્વજ વંદન કરાયું હતું. આ તકે ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત સમગ્ર ટ્રસ્ટ પરિવાર ઉજવણીમાં જોડાયેલ.
આ પ્રસંગે ઉપસ્થિત સર્વેને ભારતીય સ્વતંત્રતા પર્વની શુભેચ્છા આપતું ઉદબોધનમાં ટ્રસ્ટી જે.ડી પરમારે કર્યું હતુ.
ધાર્મિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ સોમનાથ મંદિરનો ભારતની સ્વતંત્રતા સાથે અતૂટ સંબંધ છે. આપણા દેશની સ્વતંત્રતાની સાથે જ સોમનાથ મંદિરના પુન: નિર્માણના સ્વપ્નના બીજ રોપાયા હતા. અને આજે જ્યારે ભવ્ય સોમનાથ મંદિરની ધ્વજા આકાશમાં ફરકી રહી છે ત્યારે આપણો દેશ પણ વિશ્વભરમાં પ્રેરણા સ્ત્રોત બની નેતૃત્વ કરી રહ્યો છે. અનેક બુદ્ધિજીવીઓએ અને વિચારકોએ સોમનાથ મંદિરને સ્વતંત્ર ભારતની અસ્મિતા કહ્યું છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્વતંત્રતા પર્વની સોમનાથ મંદિર ખાતે ગરિમામય ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે મંદિર પર ત્રિરંગા રોશની અને મહાદેવ ને ત્રિરંગા શૃંગાર અને ધ્વજવંદન કરવામાં આવેલ.