મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે પ૪ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ્સ એનાયત થશે
કુલ ૩૦ હજાર વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વિવિધ ડીગ્રી મેળવશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ પદવીદાન સમારોહમાં સહભાગી થશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી બુધવાર તા.ર૧ જુલાઇ-ર૦ર૧એ જુનાગઢમાં ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં વિવિધ ડીગ્રી ધારકોને પદવી અને તજજ્ઞતા પ્રાપ્ત છાત્રોને ગોલ્ડ મેડલ્સ એનાયત કરશે.
ર૦૧પમાં સ્થપાયેલી આ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં જુનાગઢ, ગીર-સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારિકા જિલ્લાની ૧૬ર જેટલી કોલેજીસનો સમાવેશ કરવામાં આવેલો છે. આ કોલેજીસના કુલ મળીને ૩૦,૩૬ર જેટલા યુવા છાત્રોને પ્રથમ પદવીદાન સમારોહ અંતર્ગત પદવીઓ એનાયત થવાની છે.
- Advertisement -
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસના ઓડિટોરિયમમાં બુધવારે તા.ર૧મી જુલાઇએ સવારે ૧૧ કલાકે યોજાનારા આ પદવીદાન સમારંભમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આ અવસરે ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની નવિન વેબસાઇટનું લોન્ચિંગ પણ કરવાના છે.