દર્દીઓની સેવાના નામે ચાલતા અન્નક્ષેત્રનું વીજ જોડાણ કપાયું, કેબલની લોડ કેપેસિટી કરતા વધુ વપરાશ થતા આગ લાગી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની સિવિલ હોસ્પિટલના એક્સરે વિભાગમાં ગત મંગળવારે ઇલેક્ટ્રિક પેનલ બોક્સમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેના પગલે હાજર દર્દીઓમાં નાસભાગ મચી હતી. અમુક દર્દીઓ તો સ્ટ્રેચર મુકીને ભાગ્યા હતા. જોકે, સ્ટાફે સમયસર આગ પર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી. આ આગ લાગવાના કારણમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સેવાના નામે ચાલતા અન્નક્ષેત્રમાં ગેરકાયદેસર મેળવેલ વીજ જોડાણ હોવાનું સામે આવ્યું છે. જેમાં કેબલની લોડ કેપિસિટી કરતા વધુ લોડ વપરાશના કારણે આ ઘટના બન્યાનું ધ્યાનમાં આવતા અન્નક્ષેત્ર દ્વારા લેવામાં આવેલું ગેરકાયદે વીજ જોડાણ દુર કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ, મંગળવારે સિવિલ હોસ્પિટલના એક્સરે વિભાગના ઇલેક્ટ્રિક પેનલ બોક્સમાં આગની ઘટનાની તપાસ કરવામાં આવતા અન્નક્ષેત્ર દ્વારા એક્સરે વિભાગમાંથી ગેરકાયદેસર વીજ જોડાણ લઇને વીજ વપરાશ કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવને લઈને સિવિલ અધિક્ષક દ્વારા પીજીવીસીએલને જાણ કરવામાં આવી હતી. જેને લઈને હાલ એક્સરે વિભાગમાંથી લીધેલું ગેરકાયદેસર વીજ જોડાણ કટ્ટ કરી નાખવામાં આવ્યું છે. કોરોના મહામારીના સમયમાં અહીં ગેરકાયદેસર રીતે વિશાળ બાંધકામ ખડકી દેવામાં આવ્યું હોવાની ફરિયાદો ઉચ્ચકક્ષાએ પહોંચતા આખેઆખા ગેરકાયદેસર બાંધકામનો કડૂસલો બોલાવવા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.