ફરિયાદીએ પોતાની દાદીની સેવા માટે કોરોના દરમિયાન નર્સને મકાન ભાડે આપ્યું હતું
ઈન્દ્રપ્રસ્થ નગર-3માં આવેલું તેમનું મકાન નર્સ ઉમાબેન યાદવને સબંધના દાવે મફતમાં રહેવા માટે આપ્યું હતું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના જાગનાથ પ્લોટમાં રહેતા ગારમેન્ટના વેપારીના મકાનમાં ગેરકાયદે રીતે કબ્જો કરનાર નર્સ વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ નોંધાતા પોલીસે નર્સની ધરપકડ કરી છે. વેપારીના બિમાર દાદીમાની સારવાર માટે રાખેલી નર્સને રહેવા માટે આપેલ મકાન પચાવી પાડી ધમકી આપતા અંતે મામલો પોલીસ મથકમાં પહોચ્યો હતો. અને આ અંગે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો હતો.શહેરના જાગનાથ પ્લોટ આકાર એપાર્ટમેન્ટ ત્રીજા માળે રહેતા ગારમેન્ટના વેપારી ધવલભાઈ મનસુખભાઈ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નર્સ તરીકે વ્યવસાય કરતી ઉમાબેન રામસી યાદવનું નામ આપ્યું છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ ધવલભાઈના દાદીમાં રંભાબેન કે જે વર્ષ 2019માં બિમાર થતા તેમની સારવાર માટે નર્સ તરીકે ઉમાબેન રામસી યાદવને રાખવામાં આવ્યા હતા. તેમની પાસે રહેવા માટે મકાન ન હોય ધવલભાઈના માતા પ્રફુલાબેન કે જેઓ રંભાબેન સાથે રહેતા હતા તેમણે ઈન્દ્રપ્રસ્થ નગર-3માં આવેલું તેમનું મકાન ઉમાબેન યાદવને સબંધના દાવે મફતમાં રહેવા માટે આપ્યું હતું ત્યાર બાદ વર્ષ 2020માં રંભાબેનનું અવસાન થયું હતું અને ધવલભાઈના માતા પ્રફુલાબેન યુ.કે. ચાલ્યા ગયા હતા ત્યાર બાદ હેમુ ગઢવી હોલ પાસે ઈન્દ્રપ્રસ્થ નગરમાં આવેલ ધવલભાઈના મકાને રહેતા નર્સ ઉમા યાદવને મકાન ખાલી કરી નાખવા માટે જણાવતા તેણે ખોટા આક્ષેપો કરી મકાન ખાલી કરવાના બદલે તે પચાવી પાડવાના ઈરાદે ગેરકાયદેસર કબ્જો કર્યો હતો. આ બાબતે ધવલભાઈએ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબીંગ હેઠળ કરેલી અરજી બાદ આ પ્રકરણમાં ગુનો નોંધવા આદેશ કરવામાં આવ્યો હોય માલવીયાનગર પોલીસમાં મથકમાં ધવલભાઈની ફરિયાદના આધારે નર્સ ઉમા યાદવ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠલ ગુનો નોંધાયો હતો.
એસીપી ગેડમના માર્ગદર્શન હેઠલ પીઆઈ કે.એન. ભુકણ સહિતના સ્ટાફે ઉમા યાદવની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.