જમીન વાવવા જેવી સામાન્ય બોલાચાલી હત્યા સુધી પહોંચી
પોલીસે ગણતરીની કલાકોમાં હત્યારા પિતાની કરી ધરપકડ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
જસદણમાં જમીન વાવવાના નજીવા પ્રશ્ને પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી થયા બાદ પિતાએ તેના સગા પુત્ર પર ફાયરીંગ કરી મોતને ઘાટ ઉતાર્યો હતો જો કે આ હત્યાના બનાવમાં જસદણ પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારા પિતાની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જસદણના ગીતાનગર વિસ્તારમાં રહેતા અને સેવાભાવી કાઠી ક્ષત્રીય આગેવાન પ્રતાપભાઈ રામકુભાઈ બોરીચા ઉ.52 અને તેના પિતા રામકુભાઈ આલેકભાઈ બોરીચા વચ્ચે સવારે 10 વાગ્યા આસપાસ તેમના ઘરે જમીન વાવવાના નજીવા પ્રશ્ન બોલાચાલી થઈ હતી. બાદમાં વાતાવરણ ઉગ્ર બનતા પિતા રામકુભાઈએ તેના સગા પુત્ર પ્રતાપભાઈ પર ફાયરીંગ કરતા ગોળી પીઠ તથા છાતીના ભાગે ખૂપી જતા પુત્રને ગંભીર ઈજા પહોંચતા પ્રથમ જસદણ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમને સારવાર મળે એ પહેલા જ તેમણે રસ્તામાં દમ તોડી દેતા કાઠી ક્ષત્રીય સમાજમાં શોક છવાઈ ગયો હતો. આ હત્યાના બનાવમાં જસદણ પોલીસે ગણતરીની કલાકોમાં જ સગા પુત્રની હત્યા નીપજાવનાર રામકુભાઈની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જસદણના સેવાભાવી યુવાનની હત્યાના બનાવથી શહેરભરમાં અરેરાટી છવાઈ ગઈ હતી. આ બનાવમાં મૃત્યુ પામનાર પ્રતાપભાઈ બોરીચાને સંતાનમાં એક પુત્ર છે અને તેઓ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા.
જમીન વાવવાની સામાન્ય બાબતમાં પિતાએ પુત્રને મોતને ઘાટ ઉતારી દેતા જસદણ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી. મૃતક પોતાના સમાજ તથા શહેરમાં સામાજીક કાર્યકર તરીકે બહોળી નામના ધરાવતા હતા.