ખાસ-ખબર સંવાદદાતા
હળવદનાં રણમલપુરના ઉપસરપંચ પર જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. નવરાત્રી દરમિયાન રણમલપુર ગામમાં મહાકાળી માતાજીના નાટકમાં મંગળપુરથી આવેલા યુવાનોએ બબાલ કરી હતી જેનો ખાર રાખી ગઈકાલે મોડી રાત્રે ત્રણ શખ્સોએ ઉપસરપંચ પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં એક શખ્સ દ્વારા છરીથી હુમલાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નિષ્ફળ નીવડતા પથ્થરોના ઘા મારી ઉપસરપંચને ઈજા પહોંચાડી હતી. પોલીસ ફરિયાદ મુજબ હળવદ તાલુકાના ઉપસરપંચ અનિલભાઇ ગામના ત્રણ રસ્તા પાસે આવેલા પેટ્રોલ પંપ પરથી પરત ફરતા હતા તે સમયે ત્રણ શખ્સોનો ભેટો થઇ ગયો હતો જે ત્રણેય શખ્સો જૂના મનદુખનો ખાર રાખી ઉશ્કેરાઇ જઈને ગાળો દેવા લાગ્યા હતા તો સાથે આરોપી ભુરાભાઇ ગુગાભાઇએ તેની ભેટમાં રહેલી છરીથી હુમલાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં નિષ્ફળ નીવડતા બાજુમાં રહેલા પથ્થરો લઈ અનિલભાઈને માથાના ભાગે ઘા મારી ઈજા પહોંચાડીને ત્રણેય શખ્સો ફરાર થઈ ચુક્યા હતા જેથી કરીને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ગામના સરપંચ સહિતના આગેવાનો ઉપસરપંચને સારવાર અર્થે લઈ ગયા હતા. હાલમાં આ બનાવ અંગે અનિલભાઈએ ગોપાલ કેસુભાઇ કોળી, બળદેવ ગોવાભાઇ કોળી અને ભુરા ગોગાભાઇ કોળી વિરુદ્ઘ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
હળવદનાં રણમલપુર ગામના ઉપસરપંચ પર જીવલેણ હુમલો, ત્રણ સામે ફરિયાદ



