- બેડલામાં ખાનગી કંપનીએ વીજટાવર ઉભા કરવા ખેતર ખેડી નાંખતા કકળાટ
- કામ બંધ નહીં કરાય તો ઉપવાસ-આંદોલનની ચિમકી, કલેક્ટરને આવેદન અપાયું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ તાલુકાના બેડલા ગામે ખાનગી કંપનીએ ખેડૂતોના ખેતર ખેડી 33 ઊંટની લાઈન નાંખી થાંભલા ઉભા કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. કંપની દ્વારા કામ બંધ કરવામાં નહી આવે તો ખેડૂતો દ્વારા ઉપવાસ-આંદોલન કરવાની ચિમકી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરીએ દોડી આવેલ ખેડૂતોએ આક્રોશભેર જણાવ્યું હતું કે, બેડલા ગામના સર્વે નં.36 પૈકીની ખાનગી જમીનમાં ખાનગી કંપનીને 33 ઊંટ લાઈન નાંખવાની અધિક કલેક્ટર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
- Advertisement -
આથી કંપનીએ મનફાવે તેમ ખેડૂતોની જમીનના પાકોને નુકશાન થાય તેવી રીતે લાઈન-થાંભલા નાંખવામાં આવ્યા છે.નાયબ કલેક્ટર દ્વારા ખેડૂતોના ખેતરમાં નુકશાન ન થાય તેમ શેઢા ઉપર લાઈન અને થાંભલા નાંખવા જણાવેલ હતું. પરતું ખાનગી કંપનીએ પોલીસ બંદોબસ્ત સાથે ખેતર વચ્ચેથી લાઈન કાઢવામાં આવી છે.પોલીસ તંત્રને સાથે ખોટા કેસ કરવા અને ખેડૂતોને ડરાવવામાં આવે છે.
એટલું જ નહી વળતર ચૂકવ્યા વગર જ બળજબરીથી થાંભલા નાંખવામાં આવતા ખેડૂતોને નુકશાન થયું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ખેડૂતોએ આજે કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, તાકીદ ખાનગી કંપની દ્વારા કામ બંધ કરવામાં નહી આવે તો ખેડૂતો દ્વારા પ્રતિક ઉપવાસ-આંદોલન કરવાની ચિમકી આપવામાં આવી છે.