પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર ખેડૂતોની વહારે આવ્યાં
ખાસ-ખબર ન્યૂઝ જાફરાબાદ, તા.19
જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના સરપંચ તેમજ ખેડૂતો સાથે પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર સહીત લોકો અમરેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યાં હતાં. અને પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેરની ઉપસ્થિતિમાં બાબરકોટ ગામના ખેડૂતોએ પોતાની જમીન પ્રશ્ન બાબતે જીલ્લા કલેક્ટર અજય દહિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામા આવી હતી. અને કલેક્ટર દ્વારા ખેડૂતોની આપવીતી સાંભળી હતી.
- Advertisement -
આ આવેદનપત્રમાં જણાવેલ કે, બાબરકોટ ગામે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ લી.(નર્મદા સિમેન્ટ વર્કસ અને ગુજરાત સિમેન્ટ વર્કસ-કોવાયા દ્વારા ખેડૂતોને વારંવાર પરેશાન કરતા ભારે રોષ જોવા મળ્યો હતો. આ બન્ને કંપનીઓ દ્વારા ગામના ખેડૂતો પાસેથી 20 થી 30 વર્ષ પહેલાં અમારા ગામનાં ખેડૂતો પાસેથી તેમની જમીનનાં દસ્તાવેજ કરાવી લીધેલ અને ભવિષ્યનાં ભાવો આપવાની શરતે જમીનની ખરીદી કરેલ હતી. તેમજ ખેડૂતોની સમંતી લીધા વગર જ સંપાદન એવોર્ડ પસાર કરીને ખેડૂતોની કિમંતી જમીનો પચાવી પાડેલ છે. તેમ છતાંપણ હાલ આ બંને અલ્ટ્રાટેક સિમેન્ટ લી. કંપની દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર રકમ આપવાનાં બદલે ગુજરાત સરકાર દ્વારા બહાર પડેલ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિ. 2020 નવો કાયદો કે જે ગેરકાયદેસર દબાણ કે જમીન-મિલકત પચાવી પડનારા લોકોથી સામાન્ય જનતાનાં રક્ષણ માટે ઉપયોગ કરવા માટે બનેલ છે. ત્યારે આવા કાયદાનો કંપની દ્વારા ગામડાનાં ગરીબ ખેડૂતો સામે ઉપયોગ કરવા માંગે છે જે યોગ્ય નથી. ઉપરાંત આ ખેડૂતો પાસે 20 થી 30 વર્ષથી સતત કબજો ભોગવટો આવેલ છે. જેમાં તેઓ ખેતી કામ કરીને પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે.
ત્યારે હવે કંપનીઓ દ્વારા ખેડૂતોને ડરાવી આ જમીન ખાલી કરાવવા માટે ખોટું દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. અને ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિ.2020 કાયદાથી પણ વિપરીત છે. ત્યારે આ અંગે યોગ્ય તપાસ કરીને અમારા બાબરકોટ ગામનાં ખેડૂતોનાં હિતમાં યોગ્ય નિર્ણય લેવા ખેડૂતોએ માંગ કરી હતી. આ તકે પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર, સરપંચ પ્રતિનીધી અનકભાઇ સાંખટ, અજય શિયાળ, હિતેષ સોલંકી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યાં હતાં. આ સમગ્ર બાબતને લઇ આવતીકાલે જીલ્લા કલેક્ટર દ્વારા કંપનીના અધિકારીઓ અને ખેડૂતો સાથે બેઠકનું આયોજન કરવામા આવશે.