તાલાલા પંથકમાં ઠેરઠેર આંબાના વૃક્ષોનાં થતાં કટીંગથી બાગાયત વિભાગ ચોંકી ઉઠયું
આંબા કાપો નહીં નવિનીકરણ કરો…જૂનાં બગીચાઓનું નવસર્જન કરવા બાગાયત વિભાગનું ઉપયોગી માર્ગદર્શન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.20
તાલાલા પંથકની જીવાદોરી સમાન કેસર કેરીનો પાક દર વર્ષે ઘટતો જાય છે જેમાં છેલ્લા બે વર્ષથી કેસર કેરીનો મોટાભાગનો પાક નિષ્ફળ જતાં દયાજનક સ્થિતિમાં મુકાઇ ગયેલ કેસર કેરીના ઉત્પાદક કિસાનો આંબાના વૃક્ષો કાપવા લાગતાં બાગાયત વિભાગ ચોંકી ઉઠયું છે.તાલાલા પંથકમાં કેસર કેરીના કિંમતી આંબાના વૃક્ષો કાપતાં બચાવવા બાગાયત વિભાગ દ્વારા પ્રયાસો શરૂ થયાં છે.આંબાના વૃક્ષો કાપવાના બદલે આંબાના જુના બગીચાઓ નું નવસર્જન કરવા બાગાયત વિભાગ દ્વારા કેસર કેરીના ઉત્પાદક કિસાનોને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
બાગાયત વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબારી યાદીમાં જણાવ્યું છે કે આંબાની 35 થી 50 વર્ષ કે તેથી વધુ જૂની વાડીઓમાં મોટા ઝાડને ચોક્કસ ઊંચાઈએથી સંપૂર્ણપણે અથવા અંશત: છટણી કરી ત્યારબાદ કેળવણી કરી જૂના ઝાડને ફરીથી જુસ્સાદાર અને ઉત્પાદનક્ષમ બનાવી આંબાના વૃક્ષોનું નવીનીકરણ કરી શકાય છે જે કિસાનો માટે ખુબ જ ફાયદાકારક બનશે.નવીનીકરણ કર્યા બાદ આંબાના મેઢ થી ઝાડના થડનું રક્ષણ કરવું અને ચોમાસામાં આંબાવાડીયામાં ફૂગજન્ય રોગોથી બચાવના યોગ્ય પગલાઓ લેવાથી ખુબજ ફાયદા થાય છે જેમ કે, દરેક ઝાડને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે છે અને ફળોનું કદ મોટું થાય છે. ઉત્પાદન વધે છે તેમજ દવા અને ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે.નવીનીકરણથી રોગ-જીવાતનું પ્રમાણ ઘટે છે.ઝાડનું કદ નાનું થવાથી મજૂરી-ખર્ચ પણ ઘટે છે.જૂના લાંબા અંતરે વાવેતર કરેલ બગીચાઓને ઘનિષ્ઠ બગીચાઓમાં રૂપાંતર કરી શકાય છે.નવીનીકરણ કરવામાં એક પછી એક હાર એટલે એકાંતરે હાર પધ્ધતિ કરવાથી જે આંબા ગીચ થઈ ગયા હોય તેમાં સૂર્ય પ્રકાશ અને હવાની અવર-જવર વધશે જેથી વચ્ચેની હારમાં ઉત્પાદન ચાલુ થઈ જશે અને બે કે ત્રણ વર્ષ પછી વચ્ચેની હાર ઉત્પાદન આપવાનું ચાલુ થશે. જે પછીની હારને નવીનીકરણ કરી શકાય.
નવીનીકરણ માટે સહાય (વર્ષ 2024-2025): ફળપાકોના જૂના બગીચાઓને નવસર્જન કરવા માટે બાગાયત વિભાગ દ્વારા આંબા પાક માટે એકમ ખર્ચ મહત્તમ રૂ. 80,000/- પ્રતિ હેક્ટર. ” પૃનિંગ, કટિંગ માટે એકમ ખર્ચ (મશીનરી/સાધનો/સર્વિસ વગેરે) મહત્તમ રૂ. 40,000/હેક્ટર “ગેપફિલિંગ એકમ ખર્ચ મહત્તમ રૂ. 20,000/હેક્ટર “સંકલિત રોગ-જીવાત અને પોષણ વ્યવસ્થાપન એકમ ખર્ચ રૂ. 20,000/હેક્ટર ” સામાન્ય જાતિના ખેડૂતોને ખર્ચના 50% કે મહત્તમ રૂ. 40,000 તથા અનુ. જાતિ અને અનુ. જનજાતિના ખેડૂતોને 75% કે મહત્તમ રૂ. 60,000 પ્રતિ હેકટરની મર્યાદામાં, બે માથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે.વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રી ગીર સોમનાથ અથવા સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેંગો,તાલાલાનો સંપર્ક કરવો.