ખાખરીયા સહિતના ગામોના ખેડૂતોનો રોષ; માંગ ન સંતોષાતા આંદોલનની ચીમકી ઉચ્ચારી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પાલીતાણા તાલુકાના ખાખરીયા ગામે ખેડૂતોનું સંમેલન યોજાયું હતું, જેમાં ખાખરીયા, સેંજળીયા, કુંભણ, મોખડકા સહિત 12 ગામોને સૌની યોજના હેઠળ સિંચાઈ માટે પાણીની લાઈન ફાળવવાની અને ગામના તળાવો-ચેકડેમો ભરવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી.
ખેડૂતોના આગેવાનોએ જણાવ્યું હતું કે અનેક વખત રજૂઆતો કરવા છતાં નિકાલ ન આવતા ખેડૂતોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. ખેડૂતોને સૌની યોજનાનું પાણી મળે તો તેઓ શિયાળુ અને ઉનાળુ પાક આસાનીથી લઈ શકે.
મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો, સહકાર મંડળીના હોદ્દેદારો અને સરપંચોએ સૂત્રોચ્ચાર કરીને સરકારને વહેલી તકે પ્રશ્ન હલ કરવા અપીલ કરી હતી. જો તેમ નહીં થાય તો આવનાર દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી.



