આજ સવારથી વરાપ જોવા મળતા ઘેડના ખેડૂતોમાં રાહત
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં બે દિવસ પેહલા ભારે વરસાદ પડયો હતો અને સમગ્ર જિલ્લામાં 1 થી 12 ઇંચ વરસાદ પડતા ફરીવાર ઘેડ પંથકના ગામડાઓમાં પાણી ઘુસ્યા હતા આ વર્ષે ચોમાસાની ઋતુમાં ત્રીજી વખત ઘેડ વિસ્તારના માણાવદર, કેશોદ અને માંગરોળના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળતા ખેતી પાક ફેઈલ થવાની ખેડૂતો ચિંતા સેવી રહ્યા છે.જૂનાગઢ જિલ્લામાં બે દિવસ વરસાદી માહોલ છવાયો હતો જેમાં વિસાવદર 12 ઇંચ અને મેંદરડામાં 8 ઇંચ વરસાદ પડતા નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા જેના લીધે ઉબેણ,સાબલી અને ઓઝત નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી અને નદીઓનું પાણી ઘેડ પંથકના ગામડામાં ઘુસી જતા ખેડૂતોની ચીંતામાં વધારો થયો છે પ્રથમ વરસાદમાં પાક ફેલ થયો હતો તે પાકને કાઢી નાખવામાં આવ્યો હતો અને ફરી નવા પાકનું વાવેતર કર્યું હતો એ સમયે ફરી વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતા ખેતી પાકને નુકશાની ભીતિ સેવાઇ રહી છે જોકે આજ રોજ સવારથી જિલ્લામાં વરસાદે વિરામ લીધો હોય ત્યારે ઘેડ વિસ્તારના ખેડૂતોએ રાહત નો શ્વાસ લીધો છે.