સંસદ એક યુનિવર્સિટી: વડાપ્રધાન મોદી
ખડગેએ પૂર્વ પીએમ દેવગૌડાને કહ્યું- તમે મુહૂર્ત અમારી સાથે જોયું, પણ લગ્ન મોદીજી સાથે કર્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.18
રાજ્યસભામાં બુધવારે એપ્રિલથી જુલાઈ વચ્ચે નિવૃત્ત થઈ રહેલા 59 સાંસદોને વિદાય આપવામાં આવી. આ સભ્યોમાં પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા, શરદ પવાર, ઉપસભાપતિ હરિવંશ અને છઙઈં નેતા રામદાસ આઠવલે સામેલ છે. જોકે, શરદ પવાર અને રામદાસ આઠવલે ફરીથી રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યા છે.
આ પ્રસંગે પીએમ મોદીએ સંસદને એક ‘ઓપન યુનિવર્સિટી’ ગણાવી હતી. તેમણે કહ્યું કે રાજકારણમાં ક્યારેય પૂર્ણવિરામ હોતું નથી. ભવિષ્ય તમારી રાહ જોઈ રહ્યું છે અને તમારો અનુભવ આપણા રાષ્ટ્રીય જીવનનો કાયમી હિસ્સો બની રહેશે.
ખડગેએ હળવા અંદાજમાં કટાક્ષ કરતા જણાવ્યું કે, ‘હું સૌથી પહેલા દેવગૌડાજીનો ઉલ્લેખ કરવા માગીશ. મને ખબર નથી પડતી કે તેમને શું થયું- મુહૂર્ત (ગઠબંધન) અમારી સાથે જોયું, પરંતુ લગ્ન (સરકાર/જોડાણ) મોદીજી સાથે કરી લીધા! શરદ પવાર ફરીથી આ સદનમાં આવશે.’
તેમણે વિદાય લઈ રહેલા સાંસદો માટે એક સુંદર શેર પણ વાંચ્યો: વિદાય તો હૈ દસ્તુર જમાને કા પુરાના, અપની છાપ કુછ એસે છોડ જાના કી હર ગાએ તુમ્હારા તરાના.
ખડગેના ભાષણ પછી, પીએમએ કહ્યું, ખડગેજીને એક અપેક્ષા હતી. હું તે અપેક્ષા પૂરી કરીશ. તમારું કામ એવી રીતે કરો કે જ્યાં પણ તમારી રાત પસાર થાય, ત્યાંથી તમને સલામ મળે.
ઉપસભાપતિ હરિવંશે જણાવ્યું કે, “સભાપતિજી, આપે મને બોલવાની તક આપી તે બદલ આભાર. વડાપ્રધાન મોદી અને સભાપતિજી, આપે મારા માટે જે શબ્દો કહ્યા છે, તે મારા જીવનની ક્યારેય ન ભૂલાય તેવી અમૂલ્ય સ્મૃતિ બની રહેશે. હું અહીં બોલાયેલા દરેક સભ્યોના શબ્દો સાથે મારી જાતને જોડી રહ્યો છું.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “આપના આવ્યા પછી સંસદની કાર્યવાહી કેવી રીતે સુચારૂ રીતે ચાલે તે માટે સતત પ્રયાસો થતા રહ્યા છે. આ સદનના સભ્ય જે.પી. નડ્ડાજીનું મર્યાદિત અને શિસ્તબદ્ધ આચરણ હંમેશા યાદ રહેશે. ખડગેજીની સાથે બેસવાની તક મળી અને દરેક ક્ષણે સતર્ક રહેવાની તેમની શૈલી તેમજ તેમના બહોળા અનુભવમાંથી ઘણું શીખવા મળ્યું છે. આ ઉપરાંત, કિરણ રિજિજૂ જે રીતે પ્રેમથી હિન્દીમાં પોતાની વાત રજૂ કરે છે, તે ખરેખર ખૂબ જ ગમે છે.”
ખડગેએ જણાવ્યું કે, “શરદ પવાર ફરીથી આ સદનમાં આવશે. રામદાસ આઠવલે સાહેબ હંમેશા પોતાની કવિતાના માધ્યમથી મોદીજીના જ ગુણગાન ગાયા કરે છે, તેમને બીજી કોઈ કવિતા આવડતી જ નથી! મને આશા છે કે તેઓ આગામી કાર્યકાળમાં પોતાની કવિતાઓમાં મોદીજીનો ઉલ્લેખ થોડો ઓછો કરશે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “દિગ્વિજય સિંહને તો આખો દેશ જાણે છે. તેઓ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહ્યા છે અને રાજ્યસભાની અનેક સમિતિઓમાં રહીને તેમણે મહત્વના રિપોર્ટ પણ આપ્યા છે. તેમજ અભિષેક મનુ સિંઘવીએ સંસદીય વાદ-વિવાદને એક નવી ગરિમા પ્રદાન કરી છે.”
અહીં બોલાયેલી દરેક વાત શીખવા જેવી છે: ખડગે
મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, “હું પોતે મારા સંસદીય જીવનમાં પહેલીવાર આ સદનનો સભ્ય બન્યો છું અને 2022થી વિપક્ષના નેતા તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું. ટૂંક સમયમાં જ મારો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. મારો જે અનુભવ રહ્યો છે તે સાવ અલગ છે. અહીં જે વાતો બોલવામાં આવે છે તે ખરેખર શીખવા જેવી છે. હું 39 વર્ષ સુધી વિધાનસભામાં હતો અને ત્યારબાદ અહીં આવ્યો છું. સંસદીય કાર્યકાળનું મારું આ 55મું વર્ષ ચાલી રહ્યું છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “મારા સમગ્ર સંસદીય જીવનમાં હું નિયમિત રીતે સદનમાં હાજર રહેવાની અને ચર્ચાઓમાં ભાગ લેવાની કોશિશ કરું છું, કારણ કે તેમાંથી ઘણું શીખવા મળે છે. અહીં અલગ-અલગ રાજ્યોના અને અલગ-અલગ વિચારધારા ધરાવતા લોકોના અનુભવો સાંભળવા મળે છે.”
ખડગેએ પોતાના અનુભવો વર્ણવતા કહ્યું કે, મારો અનુભવ ઘણો ખાટો-મીઠો રહ્યો છે. આ સદનને સાર્થક બનાવવા માટે હજુ પણ અનેક પ્રયાસો કરવા પડશે જેથી સમાજને વધુ સારો સંદેશ આપી શકાય.



