– પરખ ભટ્ટ
કંગના વર્સેસ બોલિવૂડ વિવાદમાં હવે બચ્ચન પરિવારની પણ ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જયા બચ્ચને પોતાના વક્તવ્યથી રાજ્યસભા ગજાવી. એમણે કોઈનું નામ લીધા વગર કહ્યું કે, ‘ઇન્ડસ્ટ્રીમાં નમકહરામ લોકોની કમી નથી! બોલિવૂડ દરરોજ પાંચ લાખ લોકોને રોજગારી આપે છે અને આડકતરી રીતે પચાસ લાખ લોકોને! દરેક કુદરતી આફતો અને સરકારી બાબતોમાં બોલિવૂડ સહાય કરે છે તો પછી આજ વખતે જ્યારે બોલિવૂડને સરકારની જરૂર છે ત્યારે કેમ અમને કોઈ મદદ નથી મળી રહી?’ આગલા દિવસે ભોજપુરી એક્ટર રવિ કિશને પણ બોલિવૂડમાં જોવા મળી રહેલાં ડ્રગ્સનાં દૂષણ પર સવાલ ઉઠાવ્યો હતો. મુદ્દો વાજબી હોવા છતાં જયા બચ્ચને એને આડે હાથ લીધો. છેવટે જયા બચ્ચન, અમિતાભ બચ્ચન અને એમની દીકરી શ્વેતા બચ્ચનના કઢંગા ફોટો, મીમ્સ અને વીડિયો આખું સપ્તાહ ટ્રોલ થતાં રહ્યા!
- Advertisement -
તું લક્ષ્મણ નહીં, લક્ષ્મી હૈ!
ઘણા સમયથી અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ વિશે સોશિયલ મીડિયામાં અવનવી અટકળો લગાવવામાં આવી રહી હતી. કેટલાક સમાચારો એવા આવ્યા હતાં કે લક્ષ્મી બોમ્બ હવે હોટસ્ટાર પર રીલિઝ નહીં થાય. તમામ માન્યતાઓનું ખંડન કરીને હોટસ્ટારે ‘લક્ષ્મી બોમ્બ’નું ટીઝર રીલિઝ કર્યુ અને સાથોસાથ પ્રીમિયરની તારીખ પણ! દિવાળીના તહેવાર નિમિત્તે 9 નવેમ્બરે લક્ષ્મી બોમ્બ હોટસ્ટાર પર એક્સક્લુઝિવલી પ્રીમિયર થવા જઈ રહ્યું છે. ટીઝરનો પહેલોવહેલો સંવાદ ‘આજ સે તેરા નામ લક્ષ્મણ નહીં, લક્ષ્મી હોગા’ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો.
સબ કો લેકર હી ડૂબેંગે!
રિયા ચક્રવર્તીનો ડ્રગ્સ સાથેનો નાતો હંધાય બોલિવૂડને લઈ ડૂબશે એવું લાગે છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રિમાન્ડ દરમિયાન રિયા પાસેથી કઢાવેલા 25 નામો તરફ આખું ભારત મીટ માંડીને બેઠું છે. રકુલ પ્રીત સિંહ જેવી નાની-મોટી અભિનેત્રી-અભિનેતાઓના નામ તો ઑલરેડી જાહેર થઈ ચૂક્યા છે, બાકીના વહેલા-મોડા વાજતે-ગાજતે માંડવે આવી જ જશે. જોકે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તો હજુ પણ એમ જ કહે છે કે, ‘અમારી પાસે કોઈ લિસ્ટ નથી!’ ઠીક છે, આપણી પબ્લિક આમ પણ એમને સાંભળવાની નથી. અર્ણબ ગોસ્વામી તો અત્યારથી પોતાના પ્રાઇમ-ટાઇમ શોમાં એ લિસ્ટમાંના તમામ લોકોની યાદી જાહેર કરવા માટે ગળું ફાડી રહ્યો છે. બોલિવૂડ ફફડે છે, કારણકે ‘વારાફરતી વારો, મારા પછી તારો’!
હેલ્લો એલેક્સા ઓહ સોરી, અમિતા(ભ)!
- Advertisement -
એમેઝોન એલેક્સા ચાલુ સપ્તાહે ધાકડ અંદાજમાં ટ્રેન્ડિગ રહ્યું. આજ સુધી એલેક્સાની અંગ્રેજી સહન કરતા મારા-તમારા જેવા યુઝર્સ આવતા વર્ષથી અમિતાભ બચ્ચનનો અવાજ તેના પર સાંભળી શકશે. એલેક્સાએ અમિતાભ બચ્ચન સાથે કરેલાં એક્સક્લુઝિવ કરાર અંતર્ગત 2021ની સાલથી ભારતના એલેક્સા ડિવાઇસ પર અમિતાભ બચ્ચનનો હિન્દી ભાષીય અવાજ સાંભળવાનો લ્હાવો યુઝર્સને મળશે. ભારત સિવાયના એકેય દેશોમાં આ સેવા ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે. સોશિયલ મીડિયા યુઝર્સે રાજીના રેડ થઈને એલેક્સા અમિતાભ હેશટેગ ચગાવ્યું. કેટલાકે તો વળી એવી પણ ટ્વિટ કરી કે, હવેથી એલેક્સાને ‘અમિતા(ભ)’ કહેવાનું શરૂ કરી દઈએ તો કેવું? આઇડિયા ખોટો નથી, બાય ધ વે!
ઢોલ માંહે પોલમપોલ!
ફાયનાન્સ મિનિસ્ટ્રીના પ્રતિનિધિ બનીને અનુરાગ ઠાકુરે લોકસભામાં એક એવો ધડાકો કર્યો, જે ભારતીયોએ ક્યારેય કલ્પ્યો નહોતો. રાજકારણ કોઈનું કાયમી સગું કે દુશ્મન નથી હોતું એ વાત ફરી વખત સાબિત થઈ. કોરોના પેન્ડેમિક સામે લડવા માટે ભારતે ‘એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક’ પાસેથી રૂપિયા 9000 કરોડની લોન લીધી. ના, વાંધો ઉધાર લીધા એની સામે નથી. મુદ્દો એ છે કે આ બેંકને ચીનનું બહુ મોટું પીઠબળ છે! એટલે આનો અર્થ એમ કાઢી શકાય કે ચીનના કારણે ભારતના જવાનો શહીદ થયા હોવા છતાં ભારતે કપરાકાળમાં ચીન પાસેથી ઉધાર માંગ્યા! ભગવાન કે નામ પર 9000 કરોડ દે દે, ડ્રેગન.
જાપાનમાં તખ્તપલ્ટો
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેએ પોતાની નાદુરુસ્ત તબિયતને કારણે દેશનું સર્વોચ્ચ પદ છોડ્યા પછી દુનિયાના મોટાભાગના દેશો જાપાનના નવા વડાપ્રધાનના નામ અંગે અટકળ લગાવી રહી હતી. ભારત સાથે જાપાનના સંબંધો ઘનિષ્ઠ છે. નરેન્દ્ર મોદી અને શિન્ઝો આબેની ગુજરાત મુલાકાત હજુ પણ સ્મરણપટ પર તાજી છે. એવામાં નવા વડાપ્રધાન તરીકે જાપાને યોશિહિદે સુગા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. લિબરલ ડેમોક્રેટિક પાર્ટીમાંથી આવનારા ઉમેદવાર તરીકે એમને જાપાનના નીચલા ગૃહમાં 462માંથી 314 મત મળ્યા. નરેન્દ્ર મોદી સહિત વિશ્વભરના વડાપ્રધાનોએ એમને શુભેચ્છાઓ પાઠવીને આખું અઠવાડિયું ટ્વિટર ગજાવ્યું.