ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ડિગ્રી વિના બની બેઠેલા ડોકટરો ઉપર તવાઈ બોલાવવાની સૂચના અન્વયે આજી ડેમ પોલીસે ત્રંબામાં બાતમી આધારે દરોડો પાડી ડિગ્રી વિના માત્ર કમ્પાઉન્ડરના અનુભવથી આઠ મહિનાથી ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં બોગસ ડોક્ટરને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
આજીડેમ પોલીસ મથકના પીઆઈ એ. બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ જે. જી.રાણા ટીમ પેટ્રોલિંગમાં હતાં ત્યારે સ્ટાફના કોન્સ્ટેબલ દેવા ધરજીયા, સંજય બારોટ, દિવ્યરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી કે ત્રંબા ગામમાં, મેઈન બજારમાં નામ વગરનું કલીનીક આવેલ છે, જે દવાખાનામાં જીગર મોલીયા નામનો શખ્સ કોઇપણ જાતની ડીગ્રી વગર લોકોને જોઈ તપાસી દવા આપી તથા બાટલા ચઢાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે આ ચોક્કસ બાતમી આધારે સ્ટાફે દરોડો પાડી રાજકોટની કોઠારીયા કોલોનીમાં રહેતા જીગર વલ્લભભાઈ મોલીયા ઉ.41ને સકંજામાં લઈ મેડીકલ પ્રેકટીશ કરવા અંગે ડીગ્રી સર્ટીફીકેટ બાબતે પૂછતાં મેડિકલ સર્ટી નહી હોવાનુ જણાવેલ અને પોતે બી.કોમ. સુધીનો અભ્યાસ કરેલ હોવાનુ જણાવેલ હતું. ઉપરાંત કબૂલાત આપતા જણાવ્યું હતું કે દર્દીઓને તપાસી એલોપેથીક દવાઓ આપે છે તેમજ ઇન્ડોર પેસન્ટ તરીકે દર્દીઓને બાટલા ચઢાવી સારવાર કરે છે. તેમજ રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કરેલ નોકરીના અનુભવથી આઠ મહિનાથી દવાખાનું ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હતો પોલીસે ધરપકડ કરી અલગ અલગ પ્રકારની દવાઓ અને સાધનો મળી કુલ રૂ.12620 નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.



