જનઆરોગ્ય સાથે ભયંકર ચેડાં: કમિશનરના આદેશો છતાં ફૂડ વિભાગની શંકાસ્પદ કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદર શહેરમાં નકલી દૂધ અને પનીરનો જથ્થાબંધ વેપાર ખુલ્લેઆમ થઈ રહ્યો છે. પંજાબી રેસ્ટોરન્ટ, પિઝા આઉટલેટથી લઈને નાના રેકડીધારકો સુધી નકલી પનીર વડે બનેલી વાનગીઓ ગ્રાહકોને પીરસાઈ રહી છે. ફ્રુટ સલાડ, બદામ શેક જેવા પીણાં પણ ભેળસેળિયું દૂધ વાપરીને તૈયાર થવાથી ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા હોવાની શંકા છે. મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિએ હોટલ-રેસ્ટોરન્ટમાં કડક ચેકિંગ કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપી હોવા છતાં, ફૂડ વિભાગ માત્ર દેખાવ માટેની કાર્યવાહી સુધી મર્યાદિત રહી ગયો છે. થોડાક રેકડીધારકો પર દરોડા પાડી, દંડ વસૂલી અને પછી પ્રેસનોટ જાહેર કરીને જાણે મોટી કામગીરી થઈ હોય તેમ દર્શાવાય છે. પરંતુ જથ્થાબંધ સ્તરે ચાલી રહેલા નકલી પનીરના ગોરખધંધા સામે કાર્યવાહી ન થવાથી ફૂડ વિભાગની કાર્યશૈલી પર પ્રશ્ર્નચિહ્ન લાગી રહ્યું છે.
શહેરમાં નકલી દૂધ-પનીરના ધંધા સામે કોઈ મોટી કાર્યવાહી ન થવાથી લોકોમાં શંકા વ્યાપી રહી છે કે ફૂડ વિભાગને ચોક્કસ આંકડો પહોંચાડાઈ રહ્યો છે કે શું? નાગરિકોના આક્ષેપ છે કે અધિકારીઓ અને કર્મચારીઓ દેખાવ માટે જ થોડોક દરોડો પાડે છે, દંડ વસૂલી લે છે અને પછી પ્રેસનોટ આપી પોતાની ફરજ પૂરી બતાવે છે. હકીકતમાં મોટો ગોરખધંધો ચાલી રહ્યો હોવા છતાં એને અવગણી દેવામાં આવે છે.
શહેરીજનોએ સવાલ ઉઠાવ્યો છે કે કમિશનરના આદેશોને અવગણીને ફૂડ વિભાગ માત્ર દેખાવ માટેની કાર્યવાહી શા માટે કરે છે? શું ફૂડ વિભાગના અધિકારીઓના ભેળસેળિયા ઉપર “ચાર ચાર હાથ” છે કે તેઓ મોટા વેપારીઓ સામે કડક પગલાં લેવા ડરી જાય છે? શહેરના નાગરિકો માંગ કરી રહ્યા છે કે નકલી દૂધ-પનીરના આ ધંધાને જડમૂળથી બંધ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ પર સખ્ત પગલાં લેવાય. નહીંતર પોરબંદરમાં એક મોટું આરોગ્ય સંકટ ઊભું થવાનું નિશ્ર્ચિત છે.
- Advertisement -
નકલી દૂધથી થતી નુકસાની
ભેળસેળિયું દૂધ પીવાથી પાચનતંત્ર પર ગંભીર અસર થાય છે. તેમાં કેમીકલ્સ અને ડીટર્જન્ટ જેવી હાનિકારક વસ્તુઓ હોય છે જે કિડની, લિવર અને આંતરડા પર લાંબા ગાળાની અસર કરે છે. બાળકો અને વૃદ્ધોમાં તો આવા દૂધથી તાત્કાલિક ઉલ્ટી, દસ્ત અને ઝેરી અસર થતી જોવા મળે છે.
નકલી દૂધ કેવી રીતે બનાવાય?
સસ્તા નફા માટે દૂધમાં પાણી સાથે ડીટર્જન્ટ, યુરિયા, સ્ટાર્ચ અને ખતરનાક કેમિકલ્સ ભેળવી ફુલ ક્રીમ જેવા દેખાવ માટે બનાવવામાં આવે છે. એના કારણે દૂધનું સ્વાદ અને રંગ તો કુદરતી લાગે છે, પરંતુ તે આરોગ્ય માટે હાનિકારક છે.
નકલી પનીરથી થતી નુકસાની
નકલી પનીર ખાધાથી પેટમાં ગેસ, અજીર્ણ અને ફૂડ પોઈઝનિંગ થાય છે. લાંબા ગાળે હાડકાં નબળાં પડવા, લિવર અને કિડની પર ભાર આવવો, હોર્મોનલ અસંતુલન જેવી સમસ્યાઓ ઉભી થાય છે.
નકલી પનીર કેવી રીતે બને છે?
દૂધના બદલે વનસ્પતિ તેલ, કેમિકલ્સ અને ડીટર્જન્ટથી બનેલી ચરબીયુક્ત વસ્તુઓને ગાઢ બનાવીને પનીર બનાવવામાં આવે છે. બહારથી દેખાવ અને સ્વાદમાં તે સાચા પનીર જેવું લાગે છે, પરંતુ પોષક તત્ત્વો જરા પણ ન હોવા ઉપરાંત શરીરમાં ઝેરી અસર કરે છે.



