ઈશ્ર્વરને પામવો હોય તો પહેલાં તમારી અંદર ડોકિયું કરો, તમારી ભીતરમાં રહેલાં પ્રકાશને ઓળખો, એ પછી જ અજવાળું ફેલાશે
મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
ત્રણ ચાર દિવસ પહેલાની ઘટના છે. હું બેડરૂમની બારી પાસે ઉભો હતો. વરસાદનું જોરદાર ઝાપટું વરસી રહ્યું હતું. ક્યારામાં ઉગેલાં છોડ અને વૃક્ષો વરસાદમાં ન્હાઈને ભીના તરબોળ અને લીલાછમ લાગી રહ્યાં હતાં. હું વિચારી રહ્યો હતો, આ છોડ, વૃક્ષના પાંદડાઓ અને ડાળીઓ ઉપર વરસાદનું પાણી પડે છે એના કારણે આ વૃક્ષ વિકાસ પામશે? આપણે જાણીએ છીએ કે આવું બનતું નથી. જ્યારે પાણી જમીનની માટીમાં ઉતરીને વૃક્ષના મૂળ સુધી પહોંચે છે ત્યારે વૃક્ષને પોષણ મળે છે. પાણી અને માટીમાંથી મળતું પોષણ નીચેથી ઉપરની દિશામાં ચડે છે, ઉપરથી નીચેની દિશામાં વહેતું નથી.
- Advertisement -
આવું જ આપણી ઈશ્વર માટેની ભક્તિનું છે. જ્ઞાનની, ભક્તિની, મંત્ર-જાપની કે બાહ્યાચાર દ્વારા કરાતી પૂજાની વાતો એ સપાટી ઉપર પડતા વરસાદ જેવી છે. એનાથી મનુષ્ય લીલોછમ થતો નથી. શ્રદ્ધા, ભક્તિ, જ્ઞાન, સાધના આ બધું અંદર જન્મવું જોઈએ. જો આપણી સાધનામાં, આપણી ભક્તિમાં આપણી આસ્થામાં અંદરથી પેદા થયેલી સમજણ નહિ હોય તો માત્ર બાહ્યાચાર વડે ઈશ્વર સુધી પહોંચી નહિ શકાય. એટલે જ સંત-મહાત્માઓ કહી ગયા છે કે ઈશ્વરને પામવો હોય તો પહેલાં તમારી અંદર ડોકિયું કરો. તમારી ભીતરમાં રહેલાં પ્રકાશને ઓળખો. એ પછી જ અજવાળું ફેલાશે.