દર્પણનું રીતસર અપહરણ કરી PI ગોંડલિયાએ તેને બેફામ માર્યો
સતિષ શિંગાળાએ મનસુખ ખાચરિયા પાસે સ્વીકાર્યું કે તેણે દર્પણને ઢોરમાર મારવા PI ગોંડલિયાને હવાલો આપ્યો!
- Advertisement -
ખાસ-ખબર દ્વારા છેલ્લા બે અંકથી રાજકોટ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સતિષ શિંગાળા અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. મેહુલ ગોંડલિયાના કાવતરાઓનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે ખાસ-ખબરના અંકમાં આ મામલે સચોટ પુરાવાઓ રૂપે એક ઓડિયો ક્લિપ પ્રસ્તુત કરવામાં આવી રહી છે જેમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા પાસે રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સતિષ શિંગાળા પોતાના કારનામાઓનો સ્વીકાર કરી રહ્યો છે.
આ સમગ્ર મામલે થયેલી અરજીઓ મુજબ રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સતિષ શિંગાળા સાથે દર્પણ બારસિયાએ રેતી કપચીના ધંધામાં ભાગીદારી કરીને પૈસાનું રોકાણ કરેલું હતું. જ્યારે સતિષ અને દર્પણ વચ્ચે ભાગીદારી છૂટી પડી ત્યારે સતિષે દર્પણને 35 લાખ રૂપિયા દેવાના થતા હતા. દર્પણ બારસિયાએ જ્યારે આ રકમની ઉઘરાણી સતિષ શિંગાળા પાસે કરી ત્યારે સતિષ શિંગાળાએ દર્પણ બારસિયાને ડરાવી, ધમકાવી, મારી ચૂપ કરાવવા અને પૈસા માંગતો બંધ કરાવવાની કોશિશ કરી હતી. સતિષ શિંગાળાએ દર્પણ બારસિયા પર જાનલેવા હુમલો પણ કર્યો હતો અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. મેહુલ ગોંડલિયાને હવાલો આપ્યો હતો. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. મેહુલ ગોંડલિયાએ કોઈ વાંકગુના વગર દર્પણ બારસિયાને ઉઠાવી લીધો હતો અને ઢોર માર માર્યા હતો જે અંગેની વિસ્તૃત અહેવાલ ખાસ-ખબરના ગત બે અંકમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
સતિષ શિંગાળાએ મનસુખ ખાચરિયા પાસે પોપટની જેમ સત્ય કબુલ્યું
ખાસ-ખબર દ્વારા આજરોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી ઓડિયો ક્લિપમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા, રાજકોટ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ સતિષ શિંગાળા અને દર્પણ બારસિયા વચ્ચેની વાતચીતમાં સ્પષ્ટ સાંભળી શકાય છે કે, સતિષ શિંગાળાએ મનસુખ ખાચરિયા પાસે પોપટની જેમ બધું જ સત્ય કબુલ્યું હતું. ખાસ-ખબર પાસે આ પ્રકારની ચાર ડઝન જેટલી ઓડિયો ક્લિપ છે જેના પરથી ખ્યાલ આવે છે કે, રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સતિષ શિંગાળાએ માત્રને માત્ર દર્પણ બારસિયાને ધંધામાં દેવાના થતા 35 લાખ પરત ન આપવા તેમજ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ પદેથી કરેલા પોતાના પાપ છુપાવવા માટે રાજકોટ તાલુકા પોલોસ સ્ટેશનના પી.આઈ. મેહુલ ગોંડલિયા સાથે મળી કાયદાની વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. હવે આ મામલે આજ સુધી સતિષ શિંગાળા વિરુદ્ધ પગલાં ક્યારે લેવાશે એ જોવું રહ્યું.
- Advertisement -
ભાજપ નેતાગીરી અને પોલીસ દ્વારા સતિષ શિંગાળા સામે કાર્યવાહી કેમ નહીં? ચર્ચાતો સવાલ
આ દરમિયાન ખાસ-ખબરને મળેલી ઓડિયો ક્લિપમાં જાણવા મળ્યું છે કે, રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સતિષ શિંગાળાએ પોતાના પદ અને પૈસાના જોરે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. મેહુલ ગોંડલિયાને દર્પણ બારસિયાનો હવાલો આપેલો, આ પાછળ તેણે ખોટી રીતે જિલ્લા ભાજપના કેટલાક હોદ્દેદારો અને રાજકોટ પોલીસ કમિશનરનું નામ પણ વટાવ્યું હતું. રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા, રાજકોટ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ સતિષ શિંગાળા અને દર્પણ બારસિયા વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ સાંભળી શકાય છે કે, ક્યાં પ્રકારે સતિષ શિંગાળાએ દર્પણ બારસિયાને દેવાના થતા 35 લાખ ન આપવા માટે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. મેહુલ ગોંડલિયાને હવાલો આપ્યો હતો અને ક્યાં પ્રકારે મેહુલ ગોંડલિયાએ દર્પણ બારસિયાને કોઈ જ વાંકગુના વિના ઉઠાવી ઢોર માર માર્યો છે. ઓડિયો ક્લિપમાં ખુદ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા પણ સમગ્ર મામલાથી અચંબિત થઈ સતિષ શિંગાળાને ઠપકો આપી રહ્યા છે. જોકે આખા મામલે હજુ સુધી ભાજપ મોવડીમંડળ તરફથી સતિષ શિંગાળા કે પોલીસખાતા તરફથી મેહુલ ગોંડલિયા વિરુદ્ધ કડક પગલાં કેમ લેવામાં આવ્યા નથી એ સૌથી મોટો પ્રશ્ર્ન છે.
રાજકોટ CPને લાંછન લગાડતું PI ગોંડલિયા અને સતિષ શિંગાળાનું કાવતરું
રાજકોટ પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવની નિમણૂંક બાદ શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સુધરી છે પરંતુ કેટલાક પોલીસ અધિકારીઓ હજુ પણ વ્યક્તિગત રીતે સુધરવાનું નામ લેતા નથી એવા જ એક જ છે, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. મેહુલ ગોંડલિયા જેણે સતિષ શિંગાળા પાસેથી પૈસાની લેતીદેતીનો એક હવાલો લઈ નિર્દોષ દર્પણ બારસિયા નામની વ્યક્તિને ગેરકાયદેસર ઉઠાવી ઢોર માર માર્યો હતો. મેહુલ ગોંડલિયા અને સતિષ શિંગાળાએ રચેલા કાવતરા વિરુદ્ધ દર્પણ બારસિયાએ રાજકોટ પોલીસ કમિશનરમાં અરજી પણ કરી છે. પ્રામાણિક પોલીસ અધિકારી રાજુ ભાર્ગવ હવે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. મેહુલ ગોંડલિયા વિરુદ્ધ પગલાં ભરશે એવી આશા અરજદાર દર્પણ બારસિયા રાખી રહ્યા છે.
દર્પણ પર જાનલેવા હુમલો કર્યો છતાં પોલીસે સતિષ વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી ન કરી!
રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સતિષ શિંગાળાએ હાર્દિક મોલિયા અને ચિરાગ મોલિયા સાથે મળી આકાશવાણી ચોકમાંથી દર્પણ બારસીયાને 4440 નંબરની ગાડીમાં બેસાડી પિસ્તોલ બતાવીને કહેલું કે તારે જીવવું છે કેમ? આ પિસ્તોલ તારી સગી નહીં થાય. છરી કાઢી તેને મારવાની કોશિશ કરી હતી. આ દરમિયાન દર્પણ બારસીયા ગાડીનો દરવાજો ખોલી ભાગી જતા સતિષ, હાર્દિક અને ચિરાગ ગાડીમાંથી ઉતરી તેને મારવા લાગ્યા હતા. આ મારામારીમાં દર્પણ બારસીયાને હાથના ભાગે છરી લાગી ગઈ હતી અને તેને શાંતિ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આમ છતાં આ બનાવની ફરિયાદમાં રાજકોટ યુનિવર્સિટી (મુંજકા) પોલીસ સ્ટેશન દ્વારા સતિષ શિંગાળા કે તેના સાથીદારો પર ગુનો નોંધવામાં આવ્યો નહતો. દર્પણ બારસીયાના ઓપરેશન બાદ તેનું નિવેદન લેવામાં આવ્યું હતું, વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ પાછળથી પોલીસ દ્વારા આ કેસમાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહતી અને પોલીસે પોતાની મેળે જ એવું જાહેર કરી આપ્યું કે, દર્પણ બારસિયા આ મામલે કોઇ ફરિયાદ દાખલ કરવા ઇચ્છતા નથી.
સતિષે દર્પણને જાનથી મારી નાખવાની કોશિષ કરી અને PI ગોંડલિયા પાસે ઢોર માર પણ મરાવ્યો
જ્યારે દર્પણ બારસિયાએ સતિષ શિંગાળા પાસે ભાગીદારી છૂટી થતા લેવાના નીકળતાં 35 લાખ પરત માંગ્યા ત્યારે સતિષે દર્પણને જાનથી મારી નાખવાની કોશિશ કરી અને પી.આઈ. ગોંડલિયા પાસે ઢોર માર પણ મરાવ્યો હતો. સતિષ શિંગાળાએ દર્પણ બારસિયાને ગાડીમાં બેસાડી રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એટલું જ નહીં, દર્પણ બારસિયા જ્યારે ગાડીમાંથી ભાગી ગયો ત્યારે સતિષ શિંગાળાએ તેને હાથમાં છરીના ઘા મારી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. આટલાથી ન અટકતા આગળ જતાં સતિષ શિંગાળાએ દર્પણ બારસિયાને પૈસા માગતો બંધ કરવા માટે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. મેહુલ ગોંડલિયાને હવાલો આપ્યો હતો.
સતિષ શિંગાળા, મનસુખ ખાચરિયા અને દર્પણ બારસિયા વચ્ચે થયેલી વાતચિતની ઑડિયો ક્લિપ સાંભળવા માટે અહીં ક્લિક કરો…



