દક્ષિણ રશિયાના દાગિસ્તાનમાં ગેસ સ્ટેશન પર થયેલા વિસ્ફોટમાં ત્રણ બાળકો સહિત 35 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે 65 લોકો ઘાયલ થયા છે. કેસ્પિયન સમુદ્ર કિનારે પ્રાદેશિક રાજધાની મખાચકાલાના ગેસ સ્ટેશન પર સોમવારે વહેલી સવારે વિસ્ફોટ થયો હતો. ઇમરજન્સી મંત્રાલયના જણાવ્યા અનુસાર આગ કાર રિપેરિંગની દુકાનમાં શરૂ થઈ હતી અને નજીકના ગેસ સ્ટેશનમાં ફેલાઈ હતી, જેના કારણે વિસ્ફોટ થયો હતો.
અહેવાલો પ્રમાણે ગેસ સ્ટેશન પરની આઠમાંથી બે ફ્યુઅલ ટેન્કમાં વિસ્ફોટ થયો હતો. આગને કાબૂમાં લેવા માટે 70 થી વધુ ફાયર ફાયટર અને 20 ફાયર એન્જિન આગ કાબુમાં લેવા માટે કામે લાગ્યા હતા. આગ ઓલવવામાં ફાયર ફાયટરોને ચાર કલાકથી વધુ સમય લાગ્યો હતો. આગ 600 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 11 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
- Advertisement -
આપાતકાલીન મંત્રાલયનું આઈએલ-76 વિમાન મોસ્કોના ઝુકોવસ્કી એરપોર્ટથી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે રવાના થયું હતુ. હાલ તો સત્તાવાળાઓ દ્વારા આગ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. મંગળવારે દાગિસ્તાનમાં શોકનો દિવસ જાહેર કરવામાં આવ્યો હતો.
65 થી વધુ લોકો ઘાયલ
રશિયન આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે વિસ્ફોટ અને ત્યારબાદ લાગેલી ભીષણ આગને કારણે 115 લોકો ઘાયલ થયા હતા અને તેમાંથી 35ના મોત થયા હતા. મૃતકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. મંત્રાલયે જણાવ્યું કે 65 ઘાયલોમાં 16 બાળકોનો સમાવેશ થાય છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બે બાળકો સહિત 11 લોકોની હાલત ગંભીર છે.



