ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.24
જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 28 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે આજે ત્રીજા દિવસે પણ ગુજરાતના કેટલાક પ્રવાસીઓ ફસાયેલા છે, તેમને પરત લાવવા માટે રાજ્ય સરકારે કવાયત શરૂ કરી છે. સરકાર દ્વારા તમામ જિલ્લામાંથી કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓની માહિતી મંગાવી છે.
જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના પગલે ત્યાં પ્રવાસ અર્થે ગયેલા ગુજરાતના પરિવારોની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકાર જમ્મુ કાશ્મીર તંત્ર સાથે સતત સંકલનમાં છે. ગુજરાતના પ્રવાસીઓ હેમખેમ વતનમાં પરત ફરે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકાર જરૂરી વ્યવસ્થાઓ કરી રહી છે.
કંટ્રોલ રૂમ અને હેલ્પ ડેસ્ક શરૂ:
આ માટે રાજ્ય સરકારે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે બે હેલ્પલાઇન નંબર શરૂ કર્યા છે. યાત્રિકો અને તેમના પરિવારજનો લેન્ડલાઈન નંબર 079-23251900 અને મોબાઈલ નંબર 99784 05304 પર સંપર્ક કરીને સુરક્ષા વિષયક બાબતો તેમજ ગુજરાત પરત ફરવા અંગે સંકલન સાધી શકશે, તેમજ જરૂરી મદદ મેળવી શકાશે. કંટ્રોલ રૂમ નં. – 01954 – 294439 તેમજ આ મોબાઈલ નંબર પર ફોન તેમજ વોટ્સએપ નંબર 9419029997, 9797773722, 6006225055, 7006481108, 9797559766 પર સંપર્ક કરી શકાશે.
- Advertisement -
મૃતકોના પરિજનોને સહાય જાહેર:
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો ભોગ બનનાર પરિવારજનો માટે ગુજરાત સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર આ હુમલામાં જીવ ગુમાવનાર ગુજરાતના પ્રવાસીઓના પરિવારજનોને રૂપિયા 5 લાખની સહાય તેમજ રાજ્યના ઇજાગ્રસ્ત પ્રવાસીઓને રૂપિયા 50,000ની સહાય કરશે.
આતંકી હુમલામાં મૃત્યુ પામેલા સુરતના શૈલેષ કળથીયાની પત્નીની વ્યથા
અંતિમ વિધિ માટે શૈલેશભાઈના પાર્થિવ દેહને નિવાસ્થાને લાવતાની સાથે જ પરિજનોના ભારે આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ. આજે (24મી અપ્રિલ) સવારે શૈલેષભાઈના ઘરેથી તેમની અંતિમયાત્રા નીકળી. અંતિમ ક્રિયામાં સામેલ થવા માટે કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા. સાથે જ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, ધારાસભ્ય વીનુ મોરડીયા, ધારાસભ્ય કુમાર કાનાની સહિતના આગેવાનો તેમની અંતિમ ક્રિયામાં જોડાવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન મૃતક શૈલેશભાઈના પત્ની શીતલબેને કેન્દ્રિય મંત્રી સામે આક્રોશ ઠાલવતા કહ્યું કે, ‘કાશ્મીરમાં કાંઈ વાંધો નથી, સરકાર-સિક્યોરિટી શું કરતી હતી.’ આતંકીઓ હુમલો કરવા આવ્યા ત્યારે મુસ્લિમોને કંઇ ન કર્યુ અને જેટલા હિન્દુ હતા એમને અલગ ઊભા કરીને બધાને ગોળી મારી દીધી અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો ઉભો હસતો રહ્યો હતો આતંકી. કાશ્મીરનું નામ બદનામ કરો છો પણ કાશ્મીર સામે કંઇ વાંધો નથી, વાંધો આપણી સરકાર અને સિક્યુરિટીમાં છે. એવી જગ્યા કે જ્યાં આટલા ટુરિસ્ટ હતા તેમ છતાં પણ કોઇ આર્મી, પોલીસ કે મેડિકલ કેમ્પ નહોતો. અમે સરકાર અને આર્મી ઉપર ભરોસો રાખી ફરવા ગયા હતા અને હવે એ જ આર્મી કહે છે કે તમે ઉપર કેમ ફરવા જાઓ છો. જો હવે આપણા દેશની જ આર્મી આવું બોલશે તો પછી જવાબદારી કોણ લેશે?
કાશ્મીર ફરવા ગયેલાં રાજકોટનાં ‘ચાર કપલ’ તેઓ હાલ શ્રીનગરમાં સલામત, પરિવાર ખુશ
ગઈકાલે કાશ્મીરના પહેલગામમાં ભયંકર આતંકવાદી હુમલો થયો અને તેમાં 27 નિર્દોષ લોકો માર્યા ગયા છે. આથી આ ઘટનાના ઘેરા પડઘા સમગ્ર દેશમાં પડયા છે અને સર્વત્ર ચિંતા છવાઈ છે.ખાસ કરીને ગુજરાતથી કાશ્મીર ફરવા ગયેલાઓનાં પરિવારજનો ભારે ચિંતીત છે.ત્યારે રાજકોટ જીલ્લા કલેકટર કચેરીની ડીઝાસ્ટર મેનેજમેન્ટ શાખામાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટનાં ચાર કપલ એટલે કે 4 જેન્ટસ અને ચાર-લેડીઝ ગત તા.19 અને તા.21 ના રોજ કાશ્મીર ફરવા ગયા છે અને આ તમામ કપલ હાલ સંપૂર્ણ સલામત છે. ડિઝાસ્ટર શાખાનાં જણાવ્યા મુજબ રાજકોટના તમામ પ્રવાસીઓ સાથે વાત થઈ છે અને તેઓ શ્રીનગરમાં જુદી જુદી હોટેલોમાં સલામત છે. ડિઝાસ્ટર વિભાગ અનુસાર રાજકોટના લક્ષ્મીવાડી-18 માં ‘શકિત’ રહેતા કુલદીપસિંહ અને રૂચીબેન તથા તેઓનું મિત્ર દંપતી કે જેઓ નાનામવા રોડ ઉપર રાજનગર-4 માં રહે છે.તેઓ હાલ શ્રીનગરમાં સલામત છે.