રૂપિયા 56.40 કરોડની ગ્રાન્ટ મેળવવાની દરખાસ્ત મંજુર
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલીકાની સ્થાયી સમિતિની બેઠક આજે મળી હતી.જેમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જૂનાગઢનાં જોષીપરા અને બસ સ્ટેશનનાં ફાટકમાંથી લોકોને હવે મુકતી મળશે. રૂપિયા 56.40 કરોડનાં ખર્ચે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવામાં આવશે. આ કામને આજની બેઠકમાં લીલીઝંડી આપી દેવામાં આવી છે. જૂનાગઢવાસીઓને રેલ્વેના ફાટકથી મુક્તિ અપાવવા ઓવરબ્રિઝ બનાવવાનો પ્લાન કરાયો હતો. તે વખતે ફોર લેન ઓવરબ્રિઝ બનાવવાની વાતો અને પ્રેઝન્ટેશન કરાયું હતું. બાદમાં ગાંધીનગર ખાતે ચર્ચા વિચારણા થતા આ ફોરલેન ઓવર બ્રિઝની ડિઝાઇનમાં ફેરફાર કરાયો છે. હવે નવો બનનાર રેલવે ઓવર બ્રિઝ ફોરલેન અને ટુ લેન એમ મિક્ષમાં બનશે. અગાઉ ઓવરબ્રિઝનું બજેટ 97 કરોડનું હતું જે હવે ઘટીને 56 કરોડ કરી દેવાયું છે. આજે મનપાની સ્થાયી સમિતિની બેઠક હરેશભાઇ પરસાણાનાં અધ્યક્ષ સાથે મળી હતી. આ બેઠકમાં જોષીપરા અને બસ સ્ટેશનનાં ફાટક દુર કરવા માટે જરૂરી ગ્રાન્ટ અને નિયમાનુસર કામ માટે સરકારમાંથી મંજુરી લેવા માટે કમિશ્ર્નરે દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને મંજુર કરવામાં આવી છે. જૂનાગઢનાં જોષીપરા અને બસ સ્ટેશનનાં ફાટક પર રૂયિપા 56.40 કરોડનાં ખર્ચે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવામાં આવશે.
- Advertisement -
ચૂંટણી આવતાં ઉતાવળ કરાઇ રહી છે : કૉંગ્રેસ
કોંગી કોર્પોરેટર લલીત પણસારાએ કહ્યું હતું કે,માથે ચૂંટણી ગાજે છે એટલે ઉતાવળે પ્લાન બનાવી જેમ તેમ પ્લાન બેસાડી કામ શરૂ કરવા માંગે છે. બસ સ્ટેશન પાસે અન્ડરબ્રિઝ શક્ય જ નથી. જો બનશે તો ગાંધીચોકનું પાણી તેમાં આવશે અને તે અંડરબ્રિઝ પણ જોષીપરા અંડર બ્રિઝની જેમ ચોમાસામાં સ્વિમીંગ પુલમાં ફેરવાઇ જશે.આમ ઉતાવળે કાચું કપાશે અને લોકોને ભવિષ્યમાં હેરાનગતિનો સામનો કરવો પડશે.