કેમ્પસમાં રમતવીરો માટે રમશો તો મરશો તેવી સ્થિતિનું નિર્માણ: રોહિતસિંહ રાજપુત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે વિશાળ કેમ્પસ તો છે પણ વિદ્યાર્થીઓ માટે નકામું હોય તેવી સ્થિતિ અનુભવી છે. વિદ્યાર્થી નેતા અને કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે સૌ. યુનિ. હંમેશ વિવાદોમાં રહેવાનો અને છબી ખરડાવામાં મહદઅંશે ફાળો રાજ્ય સરકારની ઈચ્છાશક્તિનો અભાવ જવાબદાર ઠેરવી શકાય. જાણે સરકારને આ યુનિ. બાબતે કોઇ જાતનો રસ જ ના હોય તેવું ચિત્ર ઉપજી રહ્યું છે. અનેક વખત રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી કેમ્પસમાં કાર્યક્રમોમાં હાજરી આપી કાયમી કુલપતિની નિમણુંક મામલે મુખ્યમંત્રીના ટેબલ પર જ ફાઈલ હોવાનું કહી લોલીપોપો આપી જતા રહે છે પરિણામે તત્કાલ કાર્યકારી કુલપતિ પણ નિષ્ક્રિય હોય તેમ કેમ્પસની પરિસ્થિતિ દરેક બાબતે કથળતી જતી જાય છે અને તેના ભોગ હજારો વિદ્યાર્થીઓ બનતા હોય છે અને હેરાનગતી અનુભવતા હોય છે.
એક તરફ રાજ્ય સરકાર રમશે ગુજરાત જીતશે ગુજરાત જેવા કાર્યક્રમો યોજી ઓલમ્પિકમાં ખેલાડીઓ દેશનું પ્રતિનિધિત્વ કરે તેવી જાહેરાતો કરે છે બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પ્સના રમતવીરો માટે રમશો તો મરશો તેવી સ્થિતિનું નિર્માણ થાય થયું છે. 15 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા સ્પોર્ટ્સ સંકુલમાં ઇન્ડોર સ્ટેડિયમમાં સફાઇના અભાવે અને મેઇન્ટેનન્સના અભાવે આજે એક રમતવીર લપસી જતા ઘવાયો હતો. ઉપરોક્ત વાત કરવામાં આવે તો છેલ્લા 6 મહિનાથી વધુ સમયથી આવીને આવી અવદશા સંકુલની હોય છતાં એક પણ સત્તાધિશે આ સ્થિતિનું નિરીક્ષણ બાબતે તસ્દી લીધી નથી. આખા સ્પોર્ટ્સ સંકુલમાં પીવાનું પાણીની સુવિધા નથી અને બાથરૂમની સફાઇના અભાવે બંધ જેવી હાલત ઉદ્ભવી છે. રાજપુતે અંતમાં જણાવ્યું હતુ કે આ ઉપરોક્ત તમામ બાબતો અમે રાજ્ય સરકાર સંબંધિત મંત્રીઓ સમક્ષ મુકી અને રમતવીરો માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરીશું.